Jai Hind

ઉમરાળા ગ્રામ પંચાયતના અણધડ વહીવટથી જનતા હેરાન-પરેશાન

જૂના બાંધકામ તોડી પાડ્યા બાદ કામ અધુરા રહેતા લોકોને હાલાકી

નવા કામ માટે જૂના તોડીપાડ્યા પછી લાંબા સમય સુધી નવા કામ ન કરી શકનાર ઉમરાળા ગ્રામ પંચાયતના અણઘડ વહીવટથી લોકો પરેશાન થઈ રહ્યા છે.
અહીં જવાહર ચોક નજીક નદીકાંઠાના ગઢ પાસે દાયકાઓ જૂની યુરીનલ હતી.જવાહર ચોક અને તેની બંને બાજુની બજારો સહિતના વિસ્તારોના લોકો તથા આજુબાજુના ગામોમાથી ખરીદીઅર્થે આવતા લોકો માટે આ યુરીનલ ખૂબ જ ઉપયોગી હતી.ત્રણ-ચાર મહિના અગાઉ ગ્રામ પંચાયતે નવી યુરીનલ બનાવવાના બહાને જૂની તાડાવી નાખી ત્યારબાદ હજુ સુધી નવી યુરીનલનું બાંધકામ ન કરતાં લોકો ખુલ્લી જગ્યાએ શૌચક્રિયા કરવા મજબૂર છે.
લોકોની મુશ્કેલીના ઉપરોક્ત નમૂના બાદ ગ્રામ પંચાયતે દોઢેક મહિના અગાઉ અણઘડ વહીવટનો બીજો એક નમૂનો પ્રસ્તુત કર્યો છે. અહીં જવાહર ચોકથી પશ્ચિમ અને દક્ષિણ બાજુની મુખ્ય બજારો પેવર બ્લોકથી પાકી બનેલી છે.પેવર બ્લોક રોડના સ્થાને સીસી રોડ બનાવવા માટે પંચાયતે દક્ષિણ તરફની બજાર પૈકી જવાહર ચોકથી શાકમાર્કેટ સુધીના ભાગમાંથી બ્લોક કાઢી નાખવા ખોદકામ કરાવ્યું. ત્યારબાદ સીસી રોડનું કામ હજુ સુધી ન કરતાં અને બીજી જુલાઈથી વરસાદ શરૂ થઈ જતા ખોદવામાં આવેલ રોડનો ભાગ વરસાદના પાણીથી છલોછલ ભરાય જાય છે. આથી બજારના એ ભાગ પરના વેપારીઓ,ગ્રાહકો સહિત તમામ લોકો માટે પાણીથી ભરાયેલ રોડ પર અવરજવર મુશ્કેલ બની જાય છે. બજારના આ ભાગ પર કરિયાણું,કટલરી,કપડાં,ઈલેક્ટ્રીક/ઇલેક્ટ્રોનિક્સ સામાન,વાસણ વગેરેની મુખ્ય દુકાનો ઉપરાંત મસ્જિદ,શાકમાર્કેટ વગેરે આવેલ હોઈ સ્થાનિક તથા આજુબાજુના ગામોના ગ્રાહકો વગેરેની દિવસભર સતત અવરજવર રહેતી હોય છે. આ તમામ લોકો માટે રસ્તા પર ભરાતું પાણી ભારે અડચણરૂપ બની રહે છે.
સમયસર નવનિર્માણ માટેની પૂર્વ તૈયારી વગર જૂના કામ તોડી નાખી લાંબા સમય સુધી લોકોને મુશ્કેલીઓ વેઠતા કરી મૂકવાની બાબત અણઘડ વહીવટનો નમૂનો નહીં તો બીજું શું ? ગ્રામ પંચાયતનો આવો વહીવટ લોકોમાં ટીકાપાત્ર બની રહ્યો છે.