મહિલાને અજાણી કારમાં લીફ્ટ લેવી ભારે પડી કોડીનારના આલીદર ગામની મહિલા લુંટાઈ

કોડીનાર પોલીસે લુંટાયેલ સોનું, ઈકોકાર અને હથિયાર સાથે આરોપીને ગણતરીની કલાકોમાં દબોચી લીધો

કોડીનાર તાલુકાના આલીદર ગામની એક મહિલા માટે અજાણ્યા ઇકો કાર ચાલક સાથે મુસાફરી કરવાનો નિર્ણય ભારે સાબિત થયો હતો. બે દિવસ પૂર્વે કોડીનાર તાલુકાના વિઠ્ઠલપુર ગામના બસ સ્ટેન્ડમાં આલીદર જવા માટે બસની રાહ જોઈ રહેલા મહિલાએ કોડીનાર તરફથી આલીદર જવા માટે ઇકો કારમાં બેસ્યા બાદ મોરવડ ગામના બસ સ્ટોપથી થોડે આગળ આરોપીએ સૂમસામ જગ્યાએ વાહન ઉભું રાખ્યું હતું. ત્યારબાદ મહિલાના ગળા પર છરી રાખી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મહિલાએ પ્રતિકાર કરતાં આરોપીએ તેમના ડાબા હાથની હથેળીમાં છરી મારી ઇજા પહોંચાડી હતી અને કાનમાં પહેરેલા અંદાજે એક તોલા વજનના સોનાના બૂટિયાં લૂંટી લીધા હતા. ત્યારબાદ મહિલાને રસ્તા પર ધક્કો મારી ઉતારી આરોપી ઇકો કાર લઈને ફરાર થઈ ગયો હતો. આ ઘટનાથી સમગ્ર કોડીનાર પંથકમાં ચકચાર મચી ગઈ હતી અને મહિલાઓમાં ભયનો માહોલ સર્જાયો હતો.
ઘટનાની જાણ થતાં જ ગીર-સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન અને ડીવાયએસપી સી.સી. ખટાણાની દેખરેખ હેઠળ કોડીનાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એન.વી. હરિયાણીએ જાતે તપાસનો દોર સંભાળ્યો હતો. ગંભીર પ્રકારનો ગુનો નોંધાતા જિલ્લામાં તાત્કાલિક નાકાબંધી કરવામાં આવી હતી અને અલગ-અલગ પોલીસ ટીમોને તપાસમાં જોડવામાં આવી હતી. ભારે વરસાદ, ગ્રામ્ય વિસ્તાર અને શરૂઆતમાં કોઈ ચોક્કસ ઓળખ ન હોવા છતાં પોલીસે ઘટનાસ્થળ આસપાસના માર્ગો, પેટ્રોલ પંપ, દુકાનો અને હોટેલોના ઈઈઝટ ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને વાહનોની અવરજવરની ટાઈમલાઇનના આધારે સતત તપાસ ચલાવી હતી.
તપાસ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે ઘાટવડ-કંટાળા રોડ પર વોચ ગોઠવવામાં આવી હતી. ત્યાંથી પસાર થતી શંકાસ્પદ ઇકો કારને અટકાવી ચાલકની પૂછપરછ કરતાં થોરડી ગામના હાદીકભાઈ નાનજીભાઈ શિયાળ (ઉ.વ. 23)ની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીની પૂછપરછમાં ગુનાનો ભેદ ઉકેલાયો હતો. પોલીસે તેની પાસેથી રૂ. 1 લાખના સોનાના બૂટિયાં, ગુનામાં વપરાયેલી ઇકો કાર, છરી તથા મોબાઇલ મળી મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આરોપીએ અગાઉ મોબાઇલ એપ મારફતે લોન લીધી હતી. હપ્તા ભરવામાં મુશ્કેલી પડતાં પૈસાની જરૂરિયાત ઊભી થઈ હતી. હાલ ઇકો કાર ચલાવતો આરોપી એકલી મુસાફરી કરતી મહિલાના દાગીના જોઈ લાલચમાં આવી ગયો હતો અને પૂર્વ આયોજન વિના તકનો લાભ લઈ આ લૂંટને અંજામ આપ્યો હોવાનું બહાર આવ્યું છે.
આ સમગ્ર ઓપરેશનમાં પી.આઈ. એન.વી. હરિયાણીના નેતૃત્વ હેઠળ પી.એસ.આઈ. જી.એન. કાછડ, પી.એસ.આઈ. એમ.આર. બાંભણિયા, એ.એસ.આઈ. સહદેવસિંહ હરિસિંહ, એ.એસ.આઈ. પ્રદીપસિંહ હરિસિંહ, હેડ કોન્સ્ટેબલ મુકેશભાઈ જેસીંગભાઈ, લલિતભાઈ બાવકાભાઈ સહિતના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ દિવસ-રાત સતત મહેનત કરી, ટેકનિકલ અને મેદાની તપાસના આધારે ગણતરીની કલાકોમાં આરોપીને ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી પ્રશંસનીય કામગીરી બજાવી હતી.

રિલેટેડ ન્યૂઝ