બનાવ બાદ 12 કલાક બાદ મૃતદેહ મળ્યો
ધારી નજીક આવેલા ખોડીયાર ડેમના દરવાજા ખુલ્યા બાદ શેત્રુંજી નદીમાં આવેલા ઘસમસતા પાણીના પ્રવાહે વધુ એક જીવ લીધો છે. અમરેલી તાલુકાના સરંભડા ગામે નદી કાંઠે બેઠેલા આશરે 40 વર્ષીય ખેડૂત પાણીમાં તણાઈ જતા તેમની શોધખોળ માટે હાથ ધરાયેલા રેસ્ક્યુ શરૂ કરાયા બાદ 12 કલાકે બાવળની કાંટમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાથી પરિવાર અને સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.
અમરેલી જિલ્લાના ધારી નજીક આવેલા ખોડીયાર ડેમના 9 દરવાજા ગઈકાલે ખુલતા શેત્રુંજી નદીમાં પાણીનો પ્રવાહ અચાનક વધ્યો હતો. આ દરમિયાન અમરેલી તાલુકાના સરંભડા ગામે રહેતા ખેડૂત શરદ મગનભાઈ કાછડીયા આશરે 40 વર્ષીય યુવક નદી કાંઠે બેઠેલા ત્યારે પુરના ઘસમસતા પાણીના પ્રવાહમાં તણાઈ ગયા હતા.
ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તેમજ બચાવ ટીમે તાત્કાલિક શોધખોળ શરૂ કરી હતી. સતત આશરે 12 કલાક સુધી ચાલેલા સર્ચ ઓપરેશન બાદ શેત્રુંજી નદી કાંઠે બાવળની કાંટમાં ફસાયેલ હાલતમાં ખેડૂતનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી માટે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ દુર્ઘટનાથી મૃતકના પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ છે, જ્યારે સમગ્ર પંથકમાં પણ શોકની લાગણી વ્યાપી છે.
વરસાદી માહોલ અને ડેમમાંથી છોડવામાં આવતા પાણીના કારણે નદી-નાળાઓમાં પાણીના પ્રવાહમાં અચાનક વધારો થતો હોવાથી તંત્ર દ્વારા લોકોને નદીના પટ અને કાંઠા નજીક ન જવા અપીલ કરવામાં આવી રહી છે. આ ઘટના ફરી એકવાર વરસાદી સિઝનમાં સાવચેતી રાખવાની જરૂરિયાત તરફ ધ્યાન દોરે છે.
