Jai Hind

પાળાનું સમારકામ તાત્કાલિક કરવા લોકમાંગ ધાતરવડીના પૂરથી વડ ગામમાં ભારે નુકસાન, પાળો તૂટતા પાણી ઘુસ્યા

અમરેલી જિલ્લામાં છેલ્લા બે દિવસથી પડી રહેલા ધોધમાર વરસાદને કારણે ધાતરવડી નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. જેના પગલે વડ ગામનો રક્ષક પાળો અચાનક તૂટી જતા નદીનું પાણી સીધું ગામમાં ઘસી આવ્યું હતું. પાણીના જોરદાર પ્રવાહથી ગામની એક દીવાલ પણ ધરાશય થઈ ગઈ હતી.
ઘટના બનતા જ ગામમાં દોડધામ મચી ગઈ હતી. ગ્રામજનોએ પોતાના ઘર અને માલસામાનને બચાવવા માટે તાત્કાલિક દોડધામ કરી હતી. સાથે જ લોકોએ તંત્ર પાસે ગામની સુરક્ષા વધારવા અને પાળાનું તાત્કાલિક સમારકામ કરવાની માંગ કરી હતી. માહિતી મળતા જ તાલુકા પંચાયત સદસ્ય તખુભાઈ ધાખડા, સરપંચ જેઠુરભાઈ ધાખડા અને ગામના અન્ય આગેવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યારબાદ સમગ્ર વહીવટી તંત્ર પણ દોડતું થઈ ગયું. મામલતદાર સહિત ચિંચાઈના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા અને નુકસાનની પ્રાથમિક તપાસ કરીને રિપોર્ટ તૈયાર કર્યો. અધિકારીઓએ ખાતરી આપી કે પાળાનું સમારકામ અને જરૂરી રાહત કાર્યો તાત્કાલિક શરૂ કરવામાં આવશે. હાલ ગામમાં પરિસ્થિતિ કાબૂમાં છે પરંતુ લોકોમાં હજુ પણ ડરનો માહોલ જોવા મળી રહ્યો.