તંત્ર દ્વારા રૂ. 71 લાખમાં બે પ્લોટ ખરીદવા મુદ્દે શરતભંગની કાર્યવાહી: તા.23 મીએ સુનવણી
જૂનાગઢના ભવનાથ શ્રેત્રમાં સ્થિત ભવનાથ મંદિર પાસે જ આવેલા અંબાજી ટ્રસ્ટના બે કિંમતી પ્લોટ રૂ. 71 લાખમાં ભવનાથ મંદિરના પૂર્વ મહંત હરિગીરીએ ભવનાથ મંદિર કે અખાડાને બદલે વ્યક્તિગત નામે વેંચાણ લેતાં વિવાદ સર્જાયો છે. અને આ મામલે હવે વહીવટી તંત્ર એ શરતભંગની કાર્યવાહી હાથ ધરી, હરિગીરીને નોટિસ ફટકારી, તા. 23ના મહંતને તંત્ર સમક્ષ રૂબરૂ હાજર થઈ જવાબ આપવા આદેશ કરાયો છે.
જૂનાગઢના પ્રખ્યાત ભવનાથ ક્ષેત્રમાં આવેલ ભવનાથ અને અંબાજી મંદિર મુદે વિવાદો સમવાનું નામ નથી લેતા ત્યાં વધુ એક વિવાદો સામે આવી રહ્યા છે, અંબાજી માતાજી ટ્રસ્ટની ભવનાથ ક્ષેત્રમાં ભવનાથ મંદિરના પાછળના ભાગે કરોડોની કિંમતની સીટી સર્વે નં. 82ની 217.3738 ચો.મી. તથા સીટી સર્વે નં. 80ની 134.2453 ચો.મી. કિંમતી જમીન આવેલી હતી. જે પ્લોટ વેચવા માટે રાજકોટની ચેરિટી કમિશનરની અંબાજી ટ્રસ્ટ દ્વારા મંજૂરી મેળવી હતી અને આ મિલકત પવિત્રતા જળવાઈ રહે તે માટે સનાતન ધર્મના ધાર્મિક સ્થાનો વચ્ચે જ વેચવાની શરત સાથે તેની રૂા. 70 લાખની અપસેટ કિંમત નક્કી કરી હરરાજી કરાઈ હતી. આ પ્લોટની હરરાજીમાં ભવનાથના પૂર્વ મહંત હરીગીરીએ ભાગ લીધો હતો અને તેમણે રૂા. 71 લાખમાં આ બંને પ્લોટ ખરીદ્યા હતા. તથા તા. 8-2-2023ના રોજ પોતાના અંગત નામે આ જમીનનો વેચાણ દસ્તાવેજ કરાવી લીધો હતો. જે તે વખતે આ કિંમતી પ્લોટ જૂના અખાડા કે ભવનાથ મંદિર ટ્રસ્ટના નામે ખરીદવાના હતા તેના બદલે મહંત હરીગીરીએ આ મિલકત વ્યક્તિગત નામે કરી લેવાતા મોટો વિવાદ થયો હતો, બાદમાં વહીવટી તંત્રને શરતોને આધીન વેચાયેલી આ જમીનનો દુરૂપયોગ અને શરત ભંગ થયો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવતા હવે તંત્ર દ્વારા ભવનાથ મંદિરના પૂર્વ મહંત હરિગીરીને નોટિસ પાઠવી, આગામી તા. 23 જુલાઈએ હાજુર થવા આદેશ કરાયા છે. તે સાથે મહંત હરિગીરી તંત્ર સામે શું ખુલાસો કરે છે અને કરોડોની આ કિંમતી જમીન પરત લેવા અથવા કેવા કડક પગલાં ભરે છે તેના પર સૌ કોઈની મીટ મંડાયેલી છે.
