અસરગ્રસ્ત પરિવારોને વહેલી તકે સહાય અને પ્રશ્ર્નોના ઉકેલની આપી ખાતરી
ઉના તાલુકામાં તા. 4 અને 5 જુલાઈ દરમિયાન પડેલા અવિરત અને ધોધમાર વરસાદને કારણે અનેક ગામોમાં જનજીવન પ્રભાવિત બન્યું હતું. ખાસ કરીને સનખડા અને ખત્રીવાડા ગામોમાં વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જતાં અનેક પરિવારોની ઘરવખરી, અનાજ, ઘર ઉપયોગી ચીજવસ્તુઓ તેમજ દૈનિક જીવનને ભારે નુકસાન પહોંચ્યું હતું. અનેક પરિવારોને ભારે મુશ્કેલી ઓનો સામનો કરવો પડ્યો હતો.
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ તથા જિલ્લા પંચાયતના સભ્ય અજીતસિંહ ભીખુભા ગોહિલ (અજુભાઈ)એ સનખડા અને ખત્રીવાડા ગામોની સ્થળ મુલાકાત લીધી હતી. આ દરમિયાન ખત્રીવાડા ગામના સરપંચ જીતેન્દ્ર ભાઈ શિયાળ, સનખડા ગામના સરપંચ રવિરાજસિંહ રાઠોડ તેમજ ગામના આગેવાનો તેમની સાથે જોડાયા હતા.
મુલાકાત દરમિયાન બંને ગામોમાં વરસાદથી થયેલા નુકસાનનું સ્થળ પર નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. અસરગ્રસ્ત પરિવારોના ઘરોમાં જઈ તેમની સ્થિતિની જાણકારી મેળવી હતી તેમજ ગ્રામજનોની રજૂઆતો, મુશ્કેલીઓ અને માંગણીઓને ધ્યાનપૂર્વક સાંભળીહતી. ગામલોકોએ વરસાદી પાણીના કારણે થયેલા નુકસાન, ઘરવખરીની બરબાદી, રસ્તાઓની હાલત અને અન્ય પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી.
ધારાસભ્ય કાળુભાઈ રાઠોડે અસરગ્રસ્ત પરિવારોને વિશ્વાસ આપ્યો હતો કે તેમના પ્રશ્નો સરકારનાસંબંધિત વિભાગો સમક્ષ અસરકારક રીતે રજૂ કરવામાં આવશે અને જરૂરી સહાય તેમજ નુકસાનનું યોગ્ય મૂલ્યાંકન કરાવી વહેલી તકે રાહત મળે તે માટે તમામ પ્રયાસો હાથ ધરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે મુશ્કેલી ની આ ઘડીએ સરકાર અને સ્થાનિક તંત્ર અસરગ્રસ્ત લોકોની સાથે ઊભું છે અને શક્ય તેટલી ઝડપથી જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.
જિલ્લા પંચાયતના સભ્ય અજીતસિંહ ભીખુભા ગોહિલે પણ ગ્રામજનોને હિંમત રાખવા અનુરોધ કરી તેમની સમસ્યાઓના નિરાકરણ માટે સતત પ્રયાસ કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી.આ સ્થળ મુલાકાતથી અસરગ્રસ્ત પરિવારોમાં આશા અને વિશ્વાસની લાગણી જોવા મળી હતી. ગ્રામજનોએ પોતાની સમસ્યાઓ રૂબરૂ રજૂ કરવાની તક મળતાં સંતોષ વ્યક્ત કર્યો હતો.
સ્થળ મુલાકાત દરમિયાન તાલુકા પંચાયતના સદસ્યના પ્રતિનિધિ અરજણભાઈ ગોહિલ, સનખડા ગામના આગેવાન હમીરભાઈ જાદવ સહિત ગામના આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.