Jai Hind

ઉના પંથકના પુરગ્રસ્ત ગામોની કોળી સેનાના પ્રમુખ દીપાબેન બાંભણીયાએ લીધી મુલાકાત

200 જરૂરિયાતમંદ પરિવારોને રાશન કીટનું વિતરણ, માછીમારોને થયેલા નુકસાન અંગે સરકારમાં રજૂઆત કરવાની ખાતરી

ગીર સોમનાથ જિલ્લામાં તાજેતરમાં પડેલા ભારે વરસાદ અને પૂરના કારણે અસરગ્રસ્ત બનેલા ગામોની કોળી સેના ગીર સોમનાથ તથા જૂનાગઢ જિલ્લા પ્રમુખ દીપાબેન બામણીયાએ કોળી સેના ટીમ સાથે મુલાકાત લઈ અસરગ્રસ્ત પરિવારોની વેદના જાણી હતી. આ દરમિયાન ઉના ના સનખડા, ગાગડા, સૈયદરાજપરા, ખત્રીવાડા સહિતના પૂરગ્રસ્ત ગામોમાં જઈ લોકોની સમસ્યાઓ સાંભળી હતી. મુલાકાત દરમિયાન પૂરના કારણે ઘરવખરી, ખેતી, પશુધન તેમજ રોજિંદા જીવનને થયેલા નુકસાન અંગે ગ્રામજનોએ રજૂઆત કરી હતી. દીપાબેન બામણીયા એ અસરગ્રસ્ત પરિવારોને હિંમત આપતાં શક્ય તમામ મદદ માટે કોળી સેના તેમની સાથે હોવાનું જણાવ્યું હતું.
આ પ્રસંગે જરૂરિયાતમંદ પરિવારોને આશરે 200 રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. મુશ્કેલીના સમયમાં ખાદ્ય સામગ્રી મળતાં પરિવારોમાં રાહતની લાગણી જોવા મળી હતી.
દીપાબેન બામણીયાએ જણાવ્યું હતું કે, પૂરગ્રસ્ત વિસ્તારોમાં હજુ પણ અનેક સમસ્યાઓ યથાવત છે. તેથી સરકાર દ્વારા નુકસાનનું તાત્કાલિક સર્વેક્ષણ કરી અસરગ્રસ્ત પરિવારોને યોગ્ય સહાય આપવામાં આવે તેમજ જ્યાં વીજ પુરવઠો ખોરવાયો છે ત્યાં વહેલી તકે વીજ સેવા પુન:સ્થાપિત કરવામાં આવે તે જરૂરી છે.
ખાસ કરીને સૈયદરાજપરા ગામના માછીમારોને પૂર અને દરિયાઈ તોફાનના કારણે બોટોને અંદાજે રૂ. 2 કરોડથી વધુનું નુકસાન થયું હોવાનું જણાવતાં તેમણે સરકાર સમક્ષ નુકસાનનો તાત્કાલિક સર્વે કરાવી માછીમારોને યોગ્ય વળતર અને સહાય આપવામાં આવે તેવી રજૂઆત કરવાની ખાતરી આપી હતી.
દીપાબેન બામણીયાએ જણાવ્યું હતું કે, કુદરતી આપત્તિના સમયમાં સમાજના દરેક વર્ગે માનવતાના ધોરણે આગળ આવી જરૂરિયાતમંદ લોકોની મદદ કરવી જોઈએ. કોળી સેના પણ આગામી સમયમાં અસરગ્રસ્ત પરિવારો માટે શક્ય તમામ સહાય અને સેવા કાર્ય ચાલુ રાખશે.