કાયદાકીય પ્રતિબંધ હોવા છતાં જીવના જોખમે ઉતારાય છે: કામદારો
સફાઇ કામદારો સ્વૈચ્છિક રીતે ગટરમાં ઉતરતા હોવાનો પાલિકા પ્રમુખનો બચાવ
બગસરા નગરપાલિકા વિસ્તારમાં ભૂગર્ભ ગટરની સફાઈમાં સફાઈ કામદારોને જીવના જોખમે અંદર ઉતારવાના મામલે ગંભીર વિવાદ સર્જાયો છે. દેશમાં મેન્યુઅલ સ્કેવેન્જિંગ એટલે કે હાથથી ગટર સાફ કરવી પર કાયદાકીય પ્રતિબંધ હોવા છતાં, બગસરામાં સફાઈ કામદારોને ભૂગર્ભ ગટરમાં ઉતારી સફાઈ કરાવવામાં આવતી હોવાની ફરિયાદ સ્થાનિક કામદારો દ્વારા કરવામાં આવી છે. કામદારોના જણાવ્યા અનુસાર, આ પ્રકારની જોખમી કામગીરી તેમના જીવ માટે જોખમરૂપ છે અને તેમ છતાં તેમને અંદર ઉતરવા માટે મજબૂર કરવામાં આવે છે, જે સીધી રીતે કાયદાનો ભંગ અને માનવ અધિકારોનું ઉલ્લંઘન છે. આ સમગ્ર મામલે જ્યારે તંત્રનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે બગસરા નગરપાલિકાના પ્રમુખ નીરવ ગોંડલીયા દ્વારા કામદારોના તમામ આક્ષેપોને તદ્દન ફગાવી દેવામાં આવ્યા છે.
પાલિકા પ્રમુખે પોતાનો બચાવ કરતા સ્પષ્ટતા કરી છે કે સફાઈ કામદારોને ગટરમાં ઉતરવા માટે નગરપાલિકા દ્વારા કોઈપણ પ્રકારનું દબાણ કરવામાં આવ્યું ન હતું. તેમના નિવેદન અનુસાર, જે પણ કામદારો ગટરમાં ઉતરીને સફાઈ કરી રહ્યા હતા તે તેમની અંગત મરજી અને સ્વૈચ્છિક નિર્ણય હતો. પ્રમુખે ભારપૂર્વક જણાવ્યું છે કે તંત્ર દ્વારા તેમને આ પ્રકારના જોખમી કામ માટે કોઈ પણ આદેશ આપવામાં આવ્યા નથી.
સફાઈ કામદારોના આક્ષેપો અને પાલિકા પ્રમુખના વિરોધાભાસી નિવેદનોને કારણે આ મામલો હાલમાં નગરજનોમાં ચર્ચાનો વિષય બન્યો છે. જ્યારે કાયદો સ્પષ્ટપણે ભૂગર્ભ ગટરની સફાઈ માટે મનુષ્યોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકે છે, ત્યારે આ ઘટનાએ તંત્રની કાર્યપદ્ધતિ પર અનેક સવાલો ઉભા કર્યા છે. હવે જોવાનું એ રહે છે કે આ મામલે ઉચ્ચ કક્ષાએથી કોઈ તપાસના આદેશ આપવામાં આવે છે કે નહીં અને સફાઈ કામદારોની સુરક્ષાને લઈને પાલિકાતંત્ર દ્વારા ભવિષ્યમાં કેવા નક્કર પગલાં લેવામાં આવે છે.