મામા-ભાણેજ સહિત 12 શખ્સો સામે ગુનાહિત કાવતરૂ રચ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ
બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના હડમતાળા ગામે જૂની ગામે જૂતી અદાવતના સમાધાન મામલે ઉશ્કેરાયેલી એક ટોળકીએ એક યુવક પર જીવલેણ હુમલો કર્યો હોવાની સનસનાટીભરી ઘટના સામે આવી છે. ઈજાગ્રસ્ત યુવાનને ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.આ બનાવ અંગે પોલીસ સુત્રો પાસેથી મળતી વિગત અનુસાર રાણપુર તાલુકાના હડમતાળા ગામે રહેતા નિલેશભાઈ હરજીભાઈ મેટાળીયા (ઉ.વ.30) આશરે આઠ મહિના પહેલા નિલેશભાઈના મોટાભાઈ અજીતભાઈને રમેશચંદ્ર ચતુરભાઈ મેણિયા (રહે. વસ્તડી, સુરેન્દ્રનગર) સાથે ઝઘડો થયો હતો. આ બાબતનું સમાધાન કરવા જતાં રમેશચંદ્રને સારું લાગ્યું ન હતું. ગઈકાલે સાંજે રમેશચંદ્ર અને અન્ય બે અજાણ્યા ઇસમો નિલેશભાઈના ઘરે આવ્યા હતા અને નિલેશભાઈની પત્ની સાથે ગાળાગાળી કરી ઝપાઝપી કરી હતી. જે અંગે પોલીસને જાણ કરાતાં પોલીસ રમેશચંદ્રને પકડી ગઈ હતી. આ બનાવની રીસ રાખીને રમેશચંદ્રના મામા હરજીભાઈ વજુભાઈ કોઠારીયા, રમેશચંદ્ર ચતુરભાઈ મેણીયા, 2 અજાણ્યા શખ્સ, વજુભાઈ લખમણભાઈ કોઠારીયા, ધીરુભાઈ વશરામભાઈ કોઠારીયા, જગાભાઈ હરજીભાઈ કોઠારીયા, હાર્દિક હરજીભાઈ કોઠારીયા, મશરૂભાઈ લખમણભાઈ કોઠારીયા,અનાભાઈ ધીરુભાઈ કોઠારીયા,યોગેશભાઈ સનાભાઈ કોઠારીયા, મુન્નાભાઈ છનાભાઈએ ગુનાહિત કાવતરું રચ્યું હતું.નિલેશભાઈ જ્યારે ગામમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ગેરકાયદેસર મંડળી રચીને તમામ શખ્સો ફરસી, તલવાર, લોખંડની પાઈપ અને લાકડીઓ જેવા ઘાતક હથિયારો સાથે ધસી આવ્યા હતા અને નિલેશભાઈ પર ઘાતક હુમલા ઈજાઓ પહોંચાડી હતી. અન્ય શખ્સો નિલેશભાઈને ઢીકાપાટુંનો ગંભીર માર માર્યો હતો. દરમિયાનમાં નીલેશભાઈના ભાઈઓ ઘટનાસ્થળે દોડી આવી યુવાનને બચાવ્યો હતો. ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ સંદર્ભે નિલેશભાઈએ રાણપુર પોલીસ મથકમાં 12 શખ્સ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે….
