તાલાલા હિરણનદીના ચેકડેમમાં ખાતર ભરેલ ટ્રેકટર ખાબકતા અકસ્માત

રમળેચી ગીરથી બોરવાવ ગીર જતું ટ્રેક્ટર ઢાળ ચડી ન શકતાં અકસ્માત ડ્રાઈવરે સમયસૂચકતા વાપરી કુદકો મારતાં આબાદ બચાવ થયો

તાલાલા શહેરના માર્કેટિંગ યાર્ડ સામે આવેલ હિરણ નદીના ચેકડેમ ઉપરથી પસાર થતું ટ્રેકટર ઢાળ ઉપરથી રીવર્સ આવતા અકસ્માત સર્જાયો હતો.
તાલાલા તાલુકાનાં રમળેચી ગીર ગામેથી બોરવાવ ગીર ગામે ખાતર ભરી ટ્રેક્ટર જતું હતું.આ ટ્રેક્ટર ચેકડેમ પાસેથી પસાર થતું હતું ત્યારે ભારે વજનને કારણે ટ્રેક્ટર ચેકડેમ નો ઢાળ ચડી શક્યું નહીં.ટ્રેકટર અચાનક પાછળ સરકી ચેકડેમના પારી પાસે પહોંચી જતાં ટ્રેક્ટરનો આગળનો ભાગ પાણીમાં ખાબકતાં માંડ બચ્યો હતો.ટ્રેક્ટર ચાલકે સમયસૂચકતા અને હિંમત દાખવી ટ્રેક્ટરમાંથી કુદકો મારી દેતાં તેમનો બચાવ થયો હતો.ઘટનાની જાણ થતાં આસપાસના ગ્રામજનો તથા વાહનચાલકો દોડી આવી ટ્રેક્ટરને જેસીબી ની મદદથી માંડ માંડ બહાર કાઢ્યું હતું. તાલાલા માર્કેટીંગ યાર્ડ સામે હિરણ નદી ઉપરનો ચેકડેમ ની બંને સાઈડ ખુબજ ઉંચી હોય ચેકડેમ ઉપરથી પસાર થતા વાહનોને ઢાળ ચડવામાં ભારે જોખમ ઉઠાવવું પડે છે.ચેકડેમની બંને બાજુનાં ઉંચા ઢાળને કારણે દર વર્ષે ચોમાસામાં નાનાં મોટાં અકસ્માતના બનાવો બનતાં હોય વહીવટી તંત્ર દ્વારા ચેકડેમ પાસે બનતા અકસ્માતો અટકાવવા જરૂરી કાર્યવાહી કરે તેવી પ્રબળ લોક માંગણી ઉઠી છે..

રિલેટેડ ન્યૂઝ