લખતરના તાવી ગામે ખેતીવાડી ખાતાનો દરોડો 1200 થેલી ખાતર ઝડપાયું : ટ્રક, ત્રણ પીકઅપવાન સહિત લાખોનો મુદ્દામાલ જપ્ત


11 રે અગિયાર કૌભાંડીઓ નાશી ગયા

આજે લખતરના તાવી ગામે સરકાર દ્વારા ખેડૂતોને આપવા માટેનું સબસીડીવાળું સેન્દ્રીય ખાતર બારોબાર સગેવગે કરીને ઊંચા ભાવે વેચવામાં આવી રહ્યું હોવાની ચોક્કસ બાતમી ખેતીવાડી વિભાગને મળી હતી. આ સચોટ માહિતીના આધારે ખેતીવાડી અધિકારીઓની ટીમે પોલીસને સાથે રાખીને તાવી ગામે રેડ પાડી કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. ખેતીવાડી વિભાગ દ્વારા કરવામાં આવેલી આ મોટી છાપામારી દરમિયાન ઘટનાસ્થળેથી ગેરકાયદેસર રીતે સગેવગે કરાતો સેન્દ્રીય ખાતરનો મોટો જથ્થો મળી આવ્યો હતો. તંત્રએ સ્થળ પરથી 1200થી વધુ ખાતરની ગુણો (થેલીઓ) તેમજ ખાતરની હેરફેર માટે ઉપયોગમાં લેવાતી એક મોટી ટ્રક અને ત્રણ પીકઅપ વાન સહિતનો લાખો રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. આ તમામ જપ્ત કરાયેલો મુદ્દામાલ ખેતીવાડી વિભાગ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી માટે લખતર પોલીસને સોંપવામાં આવ્યો છે.લખતર પોલીસે ખેતીવાડી વિભાગની સત્તાવાર ફરિયાદના આધારે સરકારી ખાતરની ચોરી અને કાળાબજાર કરવા બદલ કુલ 11 ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી કાયદાકીય તપાસ શરૂ કરી છે. જો કે, પોલીસ ત્રાટકે તે પહેલા જ ખાતર બારોબાર સગેવગે કરનારા તમામ 11 આરોપીઓ ઘટનાસ્થળેથી ફરાર થઈ જવામાં સફળ રહ્યા હતા. હાલ લખતર પોલીસ મથકના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ તમામ 11 એ 11 નાસી છૂટેલા આરોપીઓને ઝડપી લેવા માટે અલગ-અલગ ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યા છે.

રિલેટેડ ન્યૂઝ