70 ટકા પાકા રોડ, શુદ્ધ પાણી, આધુનિક બસ સ્ટેન્ડ, સીસીટીવી સુરક્ષા સહિત સર્વાંગી વિકાસ
ધોરાજી તાલુકાના ઝાંઝમેર ગામમાં વિકાસના નવા આયામ સર્જાયા છે. ભૌતિક સુવિધાઓથી લઈને શિક્ષણ, પીવાનું પાણી, સ્વચ્છતા, સુરક્ષા અને જાહેર સુવિધાઓ સુધી ગામે નોંધપાત્ર પ્રગતિ કરી સ્માર્ટ વિલેજ તરફ મક્કમ પગલાં ભર્યા છે. ઝાંઝમેર ગામમાં હાલ અંદાજે 70 ટકા જેટલા માર્ગો પેવર બ્લોક અને સીસી રોડ દ્વારા પાકા બનાવવામાં આવ્યા છે. ગામમાં નિયમિત અને શુદ્ધ પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ છે તેમજ સમગ્ર ગામમાં સ્ટ્રીટ લાઈટની વ્યવસ્થા કરવામાં આવી છે. ગ્રામજનોના લોકફાળાથી ગામમાં સુંદર અને આકર્ષક ગાર્ડનનું નિર્માણ કરવામાં આવ્યું છે, જે ગામના સૌંદર્યમાં વધારો કરે છે. ઉપરાંત ગામની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે ગ્રામ પંચાયત દ્વારા સમયાંતરે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે.
ગામમાં તાજેતરમાં આધુનિક સુવિધાઓથી સજ્જ નવા બસ સ્ટેન્ડનું નિર્માણ કરવામાં આવ્યું છે. પૂર્વ સાંસદ સભ્ય રમેશભાઈ ધડુકની ગ્રાન્ટમાંથી નિર્માણ પામેલું આ બસ સ્ટેન્ડ શહેરોની સમકક્ષ સુવિધાઓ ધરાવતું હોવાનું જણાવાયું છે અને તેને ગામજનો માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે.
સરપંચે વધુમાં જણાવ્યું હતું કે વિકાસનો લાભ ગામના છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ઝાંઝમેર ગામના ચારણના નેહડા વિસ્તારમાં છેલ્લા 20થી 25 વર્ષથી પીવાના પાણીની સમસ્યા હતી, જેને પ્રાથમિકતા આપીને સરપંચ બન્યા બાદ ત્યાં પાણીની સુવિધા પહોંચાડવામાં આવી છે.
ઝાંઝમેર ગામમાં વિવિધ સમાજના લોકો સુમેળપૂર્વક વસવાટ કરે છે અને સર્વાંગી વિકાસ માટે ગ્રામ પંચાયતની ટીમ સતત કાર્યરત છે. ગામને માત્ર ગામ નહીં પરંતુ એક આદર્શ સ્માર્ટ વિલેજ તરીકે ઓળખ અપાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે. આધુનિક ટેક્નોલોજીના યુગમાં સુરક્ષા વ્યવસ્થાને પણ મહત્વ આપવામાં આવ્યું છે. સમગ્ર ગામમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે અને ગામમાં પ્રવેશતા તેમજ બહાર નીકળતા તમામ મુખ્ય માર્ગો પર કેમેરાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેથી સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાની જાળવણી વધુ અસરકારક બની રહે.
ઝાંઝમેર ગામમાં થયેલા વિકાસ કાર્યો અન્ય ગ્રામ પંચાયતો માટે પણ પ્રેરણારૂપ બની રહ્યા છે અને ગામને સ્માર્ટ વિલેજ તરીકે સ્થાપિત કરવા માટે ગ્રામ પંચાયત દ્વારા સતત પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે.
લોકોનો વિશ્ર્વાસ જ કામની પ્રેરણા: સરપંચ
ઝાંઝમેર ગામના સરપંચે જણાવ્યું હતું કે ગામના લોકોએ તેમના ઉપર વિશ્વાસ વ્યક્ત કરી સરપંચ તરીકે સ્વીકાર કર્યો છે, ત્યારે ગામના દરેક નાગરિક સુધી વિકાસના લાભો પહોંચાડવાની તેમની નૈતિક ફરજ બને છે. આ દિશામાં ગ્રામ પંચાયત દ્વારા સતત પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે.
અનુ.જાતિ -સામાન્ય સમાજ માટે બે સ્મશાનગૃહ
ઝાંઝમેર ગામમાં અનુસૂચિત જાતિ અને સામાન્ય સમાજ માટે અલગ-અલગ બે સ્મશાનગૃહોની સુવિધા ઉપલબ્ધ છે. બંને સ્મશાનગૃહોમાં બેસવા માટેના છાપરા તથા લોકફાળાથી બેન્ચોની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી અંતિમવિધિ સમયે આવનાર લોકોને સુવિધા મળી રહે.