Jai Hind

જશાધાર રેન્જ રેવન્યુ વિસ્તારમાં સિંહ પરિવારનો વસવાટ: લોકોમાં ભય

ગીર નજીક આંબાવાડીમાં સિંહબાળની મસ્તી કેમેરામાં કેદ

ગીર પૂર્વની જસાધાર રેન્જ નજીક આવેલા રેવન્યુ વિસ્તારની એક આંબાવાડીમાં સિંહ પરિવારના અદભૂત દૃશ્યો જોવા મળ્યા છે. સિંહણ પોતાના બચ્ચાં સાથે અહીં અવારનવાર વિહરતી હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે. તાજેતરમાં સિંહણ શિકારની શોધમાં નીકળી હતી ત્યારે તેના સિંહબાળ આંબાના ઝાડ નીચે રમતા અને બાદમાં ખુલ્લા વિસ્તારમાં મસ્તી કરતા જોવા મળ્યા હતા. આ મનમોહક દૃશ્યો સ્થાનિકોએ મોબાઇલ કેમેરામાં કેદ કર્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, છેલ્લા કેટલાક વર્ષોથી ગીરના જંગલ વિસ્તાર કરતાં રેવન્યુ વિસ્તારમાં સિંહોની અવરજવર વધી રહી છે. જસાધાર રેન્જ નજીકની આ આંબાવાડી સિંહ પરિવાર માટે સુરક્ષિત આશ્રયસ્થાન બની હોય તેમ જણાય છે. ખાસ કરીને સિંહણ જ્યારે પોતાના બચ્ચાં સાથે હોય ત્યારે તે આવા એકાંત અને સુરક્ષિત સ્થળોને વધુ પસંદ કરતી હોવાનું જોવા મળે છે. વન્યજીવ નિષ્ણાતોના જણાવ્યા મુજબ, સામાન્ય રીતે સિંહણની હાજરીમાં તેના બચ્ચાંની નજીક જવું અત્યંત જોખમી હોય છે. આ દૃશ્યો ત્યારે કેદ થયા હતા જ્યારે સિંહણ નજીક હાજર નહોતી અને સિંહબાળ નિર્ભય બની આંબાવાડીમાં રમી રહ્યા હતા. તાજેતરના સમયમાં સિંહ-માનવ સંઘર્ષની કેટલીક ઘટનાઓ સામે આવી છે. જોકે નિષ્ણાતોનું માનવું છે કે સિંહોને પરેશાન કરવામાં આવે અથવા તેમની સહન શક્તિની મર્યાદા વટાવી દેવામાં આવે ત્યારે જ તેઓ માનવ પર હુમલો કરે છે. વન વિભાગ દ્વારા આવી ઘટનાઓ અટકાવવા સતત દેખરેખ અને જાગૃતિના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. વન વિભાગે લોકોને અપીલ કરી છે કે સિંહો જોવા મળે ત્યારે તેમની નજીક ન જવું, તેમને ડિસ્ટર્બ ન કરવું અને કોઈપણ માહિતી તાત્કાલિક વન વિભાગને આપવી, જેથી માનવ અને સિંહ વચ્ચેનો સંઘર્ષ ટાળી શકાય.