રૂ.5,10,20 અને 50ની નોટ તથા સિકકાઓની અછત: વેપારી-ગ્રાહકોની પરેશાની અંગે ગ્રેઈન મર્ચન્ટ એસો.ની રજૂઆત
ઉના શહેર સહિત સમગ્ર તાલુકા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં નાની ચલણી નોટો અને સિક્કાઓની ભારે અછત સર્જાતા રોજિંદા વેપાર-વ્યવહારમાં અવરોધ ઊભો થયો છે. રૂ. 5, 10, 20 અને 50ની નોટો તેમજ રૂ. 5, 10 અને 20ના સિક્કાઓ બજારમાંથી લગભગ ગાયબ થઈ જતાં વેપારીઓ અને સામાન્ય લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
છૂટ્ટા પૈસાના અભાવે દુકાનદારોને ગ્રાહકોને પરત ચોકલેટ કે ટોફી આપવી પડે છે, જ્યારે ઘણી વખત છૂટા ન હોવાથી વેપાર જ થતો નથી અને ગ્રાહકોને ખરીદી કર્યા વગર પાછા ફરવું પડે છે. ખેડૂતો, મજૂરો, નાના વેપારીઓ અને ફેરિયાઓને રોજિંદા વ્યવહારમાં સૌથી વધુ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ચા-નાસ્તો, શાકભાજી, બસ ભાડા જેવા નાના વ્યવહારો માટે પણ લોકોને રૂ. 100 અથવા રૂ. 500ની નોટનો ઉપયોગ કરવો પડે છે.
ઉના ગ્રેઈન મરચનટ એશોસીએશન વેપારી મંડળના એ જણાવ્યું હતું કે નાની ચલણી નોટો અને સિક્કાની અછતના કારણે વેપાર પર સીધી અસર પડી રહી છે. બેંકોમાં માંગણી કરવા છતાં પૂરતા પ્રમાણમાં છૂટ્ટા મળતા નથી. તેમણે તંત્ર અને લીડ બેંક દ્વારા તાત્કાલિક પગલાં ભરવાની માંગ કરી છે.ગ્રામ્ય વિસ્તારોમાં ડિજિટલ પેમેન્ટનો વ્યાપ હજુ મર્યાદિત હોવાથી રોકડ વ્યવહાર પર જ આધાર રાખવો પડે છે. નેટવર્ક અને ડિજિટલ સાક્ષરતાના અભાવે નાના વેપારીઓ માટે સ્થિતિ વધુ વિકટ બની છે.
આ ગંભીર સમસ્યાને લઈને ઉના ગ્રેઈન મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ કાંતિભાઈ હીરપરા, ઉપપ્રમુખ મિલનભાઈ શાહ, ભરતભાઈ સોમજાણી સહિતના અગ્રણીઓએ જઇઈંના બ્રાન્ચ મેનેજરને લેખિત રજૂઆત કરી નાની ચલણી નોટો અને સિક્કાનો પૂરતો પુરવઠો ઉપલબ્ધ કરાવવાની માંગ કરી છે. વેપારીઓએ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો વેપાર પર તેની વધુ ગંભીર અસર જોવા મળી શકે છે.