Jai Hind

વંથલી નજીક હાઈવે પર ગમખ્વાર અકસ્માત: પતિ-પત્નીના ઘટનાસ્થળે મોત

બાઇક સવાર દંપતીને ફોર વ્હીલ કારે ઠોકરે લેતા કરૂણ બનાવ

વંથલી નજીક ટીનમસ ફાટક નજીકહોનેસ હોટલ પાસે આવેલા નેશનલ હાઈવે પર આજે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાતા ટીનમસ ગામના પતિ-પત્નીના કરુણ મોત નિપજ્યા હતા. અકસ્માત બાદ હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.
પ્રાથમિક માહિતી મુજબ, જુનાગઢ તરફથી ટીનમસ ગામ તરફ બાઈક પર જઈ રહેલા દંપતીને પાછળથી આવેલા એક ફોર-વ્હીલર વાહને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ગંભીર હતી કે બાઈક સવાર બંનેના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. મૃતકોની ઓળખ વંથલી તાલુકાના ટીનમસ ગામના રહેવાસી અબ્દુલભાઈ સીડા (ઉંમર 62 વર્ષ) અને તેમના ધર્મપત્ની જેબુનબેન અબ્દુલભાઈ સીડા (ઉંમર 60 વર્ષ) તરીકે થઈ છે.
અકસ્માતની જાણ થતાં જ નેશનલ હાઈવે પેટ્રોલિંગ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. મૃતદેહોને વંથલી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં ફરજ પરના તબીબે બંનેને મૃત જાહેર કર્યા હતા.
અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો. નેશનલ હાઈવે ટીમે તાત્કાલિક ટ્રાફિક નિયંત્રણમાં લઈ વાહનવ્યવહાર ફરી શરૂ કરાવ્યો હતો.
આ દુર્ઘટનાના સમાચાર મળતાં ટીનમસ ગામના લોકો અને મૃતકોના સ્વજનો હોસ્પિટલ તથા ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ કરુણ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. પોલીસ દ્વારા અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ટીનમસ ફાટક પાસે સર્કલ બનાવવા લોકોની માંગણી..
ટીમમસ ફાટક પાસે પસાર થતો નેશનલ હાઈવે અકસ્માત માટે કુખ્યાત બન્યો છે અહીં વારંવાર અકસ્માતના બનાવો બને છે આ પહેલા પણ ગ્રામજનો દ્વારા અહીં સર્કલ બનાવવા માટે અનેક વાર રજૂઆત કરી હતી તેમજ થોડા સમય અગાઉ આંદોલન પણ કરવામાં આવ્યું હતું પણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા આજ ફરી અકસ્માતમાં ફરી બે વ્યક્તિઓએ જીવ ગુમાવતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે