Jai Hind

શહેરને વધુ હરિયાળું અને પર્યાવરણપ્રેમી બનાવવાના ‘ગ્રીન જૂનાગઢ’નો દ્રઢ સંકલ્પ

મનપા કમિશ્નર પ્રભવ જોષી દ્વારા આ ઝુંબેશને સફળ બનાવવા નગરજનોને અનુરોધ

જૂનાગઢ શહેરને વધુ હરિયાળું અને પર્યાવરણપ્રેમી બનાવવાના દ્રઢ સંકલ્પ સાથે આ વર્ષે ‘એક પેડ મા કે નામ’ અભિયાન અને ‘ગ્રીન જૂનાગઢ’નાં સંકલ્પને સાર્થક કરવા મહાનગરપાલિકા હસ્તકના રિઝર્વ પ્લોટો, સાર્વજનિક જગ્યાઓ, રોડ સાઇડ પર 2.50 લાખથી પણ વધારે વૃક્ષોના ટ્રી-પ્લાન્ટેશનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
મનપા કમિશનર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા આ વર્ષે ‘એક પેડ મા કે નામ’ અભિયાન અને ‘ગ્રીન જૂનાગઢ’નાં સંકલ્પને સાર્થક કરવા મહાનગરપાલિકા હસ્તકના રિઝર્વ પ્લોટો, સાર્વજનિક જગ્યાઓ, રોડ સાઇડ પર 2.50 લાખથી પણ વધારે વૃક્ષોના ટ્રી-પ્લાન્ટેશનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારની વૃક્ષ વાવેતર યોજના અંતર્ગત શરૂ કરાયેલા આ અભિયાન હેઠળ જૂનાગઢ શહેરમાં વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર થાય તે ખૂબ જ જરૂરી છે. આ ભગીરથ કાર્યમાં શહેરીજનો સરળતાથી ભાગીદાર બની શકે તે માટે મહાનગરપાલિકા હસ્તકના ઇન્દિરા ગાંધી ચિલ્ડ્રન પાર્ક (બાલ ભવન), મનોરંજન ગેસ્ટ હાઉસ સામે ભૂતનાથ મંદિર સામે આવેલ રાજીવ ગાંધી પાર્ક તથા ટીંબાવાડીમાં આવેલ ગાર્ડન ખાતેથી નાના છોડ અને રોપાઓનું વિનામૂલ્યે વિતરણ નિયમિતપણે કરવામાં આવશે.
કમિશનર દ્વારા જૂનાગઢના તમામ પ્રકૃતિપ્રેમી શહેરીજનોને નમ્ર અપીલ કરવામાં આવી છે કે, જે પણ શહેરીજનો પોતાના ઘર આંગણે, સોસાયટીમાં કે જાહેર જગ્યાઓમાં વૃક્ષારોપણ કરવા ઈચ્છતા હોય, તેમણે મહાનગરપાલિકાના નિયત કરાયેલા ગાર્ડનમાંથી નિયમિતપણે વિનામૂલ્યે રોપાઓ મેળવી આગામી સમયમાં જૂનાગઢ શહેર ગ્રીન સિટી બને અને પર્યાવરણનું જતન થાય તે હેતુથી શહેરમાં વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર કરી આ ઝુંબેશને સફળ બનાવવામાં આવે.