સગાઈની વાતચીત તૂટ્યા બાદ શરૂ થયેલો વિવાદ હવે પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. મૂળ ઉના ના અંબાડા ગામના અને હાલ સુરતના ઉમરા-વેલંજા ખાતે રહેતા ગૌતમભાઈ મધુભાઈ કિડેચાએ ત્રણ વ્યક્તિઓ સામે ધમકી, ઝઘડો અને વિશ્વાસઘાત સહિતના આક્ષેપો સાથે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ મુજબ, લગભગ એક વર્ષ પહેલાં સમાજના પ્રતાપભાઈ મૂળુભાઈ નંદવાણાની પુત્રી અલ્પાબેન સાથે ગૌતમભાઈની સગાઈની વાતચીત ચાલી રહી હતી. આ દરમિયાન બંને વચ્ચે પરિચય વધ્યો હતો. ફરિયાદીનો દાવો છે કે તેમણે અલ્પાબેનને આશરે રૂ. 19,400 કિંમતની સોનાની વીંટી ભેટ આપી હતી તેમજ અલ્પા બેનના ભાઈ ભાવેશભાઈ નંદવાણાને રૂ. 16,500 કિંમતનો મોબાઇલ ફોન પણ ખરીદી આપ્યો હતો.
ફરિયાદમાં વધુમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે સગાઈની વાતચીત દરમિયાન પ્રતાપભાઈ નંદવાણા અને તેમના પરિવારને અલગ-અલગ સમયે મળી કુલ રૂ. 1.50 લાખ રોકડ અને ઓનલાઈન હાથઉછીના આપ્યા હતા. બાદમાં યુવતીના પિતાએ લગ્ન કરવા માટે વધારાના રૂ. 3 લાખની માંગણી કરી હતી. પરિવાર દ્વારા આ રકમ આપવાનો ઇનકાર કરતાં સગાઈની વાતચીત બંધ કરી દેવામાં આવી હતી.
ત્યારબાદ ગૌતમભાઈએ પોતાની વીંટી, મોબાઇલ અને આપેલા રૂપિયા પરત માંગતા આરોપીઓએ પરત આપવાનો ઇનકાર કર્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.ફરિયાદ મુજબ, 2 મે 2026ના ભાવેશભાઈ નંદવાણા એ મોબાઇલ મેસેજ દ્વારા જાનથી મારી નાખવાની અને ગંભીર પરિણામ ભોગવવાની ધમકી આપી હતી. ત્યારબાદ 3 મે 2026 ના પ્રતાપભાઈ, ભાવેશભાઈ અને શૈલેષભાઈ નંદવાણા ફરિયાદીના સુરત સ્થિત નિવાસસ્થાને પહોંચી તેમના પરિવારજનો સાથે ગાળાગાળી અને ઝઘડો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું પણ ફરિયાદમાં ઉલ્લેખ છે.
આ સમગ્ર મામલે પોલીસે ગૌતમભાઈ કિડેચાની ફરિયાદના આધારે પ્રતાપભાઈ મૂળુભાઈ નંદવાણા, ભાવેશભાઈ પ્રતાપભાઈ નંદવાણા અને શૈલેષભાઈ મૂળુભાઈ નંદવાણા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.