Jai Hind

ઉનાના ચાંચકવડ રોડની ડમ્પિંગ સાઈડે આખરે લીધો સ્વચ્છતાનો શ્ર્વાસ

રજૂઆતો બાદ નગરપાલિકાનું સફાઈ અભિયાન, રહેવાસીઓને રાહત : જેસીબી સાથે હાથ ધરાઈ કાર્યવાહી

ઉના શહેરના ચાંચકવડ રોડ પર આવેલી નગરપાલિકા ની ડમ્પિંગ સાઈડ છેલ્લા કેટલાક સમયથી સ્થાનિકો માટે માથાનો દુખાવો બની ગઈ હતી. ડમ્પિંગસાઈડમાં થી કચરો બહાર આવી મુખ્ય માર્ગ પર ફેલાઈ જતાં સમગ્ર વિસ્તારમાં દુર્ગંધ, ગંદકી અને અસ્વચ્છતાનું સામ્રાજ્ય સર્જાયું હતું. રોડ પર વિખરાયેલા કચરાના કારણે વાહનચાલકોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી હતી, જ્યારે આસપાસના રહેણાંક વિસ્તારમાં રહેતા લોકોને પણ અસહ્ય દુર્ગંધ અને ગંદકી વચ્ચે જીવન જીવવાની ફરજ પડી રહી હતી.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, વરસાદી માહોલમાં સ્થિતિ વધુ ગંભીર બની હતી. કચરો રોડ પર ફેલાઈ જવાથી વાહનચાલકો માટે અકસ્માતનો ભય પણ ઉભો થયો હતો. ઉપરાંત રખડતા પશુઓ કચરામાંચારો શોધવા માટે રોડ પર આવી જતા ટ્રાફિક વ્યવસ્થામાં પણ વારંવાર અવરોધ સર્જાતો હતો. લાંબા સમયથી ચાલતી આ સમસ્યાના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો.
આ સમગ્ર મુદ્દે પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશે જિલ્લા કલેક્ટર તેમજ પ્રાદેશિક નિયામક કચેરી, ભાવનગર સમક્ષ લેખિત રજૂઆત કરી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. ત્યારબાદ સ્થાનિક નગરસેવકો અને રહેવાસીઓએ પણ ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ સમક્ષ પ્રશ્ન રજૂ કરતાં તેમણે તાત્કાલિક ઉના નગરપાલિકાના ચીફ ઓફિસરને સ્થળ પર કાર્યવાહી કરવા સૂચના આપી હતી.
ધારાસભ્યની સૂચના બાદ નગરપાલિકાનું તંત્ર હરકતમાં આવ્યું હતું. નગરપાલિકા દ્વારા જેસીબી મશીન અને સફાઈ કર્મચારીઓની ટીમ સાથેવિશેષસફાઈઅભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ડમ્પિંગ સાઈડની બહાર રોડ પર ફેલાયેલા કચરાને દૂર કરવામાં આવ્યો હતો તેમજ સમગ્ર વિસ્તારની સફાઈ કરીને માર્ગને ફરી સ્વચ્છ બનાવવામાં આવ્યો હતો.
માત્ર તાત્કાલિક સફાઈ પૂરતી કાર્યવાહી ન કરતા ભવિષ્યમાં આવી સ્થિતિ ફરી સર્જાય નહીં તે માટે પણ નગરપાલિકા દ્વારા ડમ્પિંગ સાઈડની સીમા પર બોર્ડર (રક્ષણાત્મક અવરોધ) ઉભો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેથી કચરો બહાર ફેલાતો અટકાવી શકાય.નગરપાલિકાની ઝડપી કામગીરી બાદ સ્થાનિક રહેવાસીઓ, વેપારીઓ, રાહદારીઓ અને વાહનચાલકોમાં રાહતની લાગણી જોવા મળી હતી. સ્થાનિકોએ આશા વ્યક્ત કરી હતી કે હવે ડમ્પિંગ સાઈડનું યોગ્ય સંચાલન કરવામાં આવશે અનેસ્વચ્છતા જળવાઈ રહેશે, જેથી ભવિષ્યમાં ફરીઆવીપરિસ્થિતિ સર્જાય નહીં.
સ્થાનિકોના મત મુજબ, શહેરની સ્વચ્છતા જાળવવા માટે માત્ર એક વખતની કાર્યવાહી પૂરતી નથી, પરંતુ ડમ્પિંગ સાઈડના નિયમિત સંચાલન, સમયસર કચરાના નિકાલ અને સતત દેખરેખની પણ એટલી જજરૂરિયાત છે. ત્યારે હવે નગરપાલિકા ભવિષ્યમાં આ વ્યવસ્થા કેટલી અસરકારક રીતે જાળવી રાખે છે તેના પર સૌની નજર મંડાઈ છે.