Jai Hind

ગઢડામાં જગન્નાથજીની રથયાત્રામાં પાંચ સ્થળે ડ્રોનથી થશે પુષ્પવર્ષા

તડામાર તૈયારીઓને અપાતો આખરી ઓપ: શહેરને સુશોભિત કરાયું

ગઢડા(સ્વામીના) ખાતે જગન્નાથજી રથયાત્રા સમિતિ આયોજિત આગામી 33 મી રથયાત્રાની તડામાર તૈયારીઓ ભારે ઉત્સાહપૂર્વક હાથ ધરાઈ છે. આ રથયાત્રાને ભવ્ય અને સફળ બનાવવામાં લોકોના સાથસહકાર તેમજ જુદા જુદાં મંડળોની સેવાઓ ઉપરાંત રથયાત્રા સમિતિના કાર્યકરો દ્વારા તબક્કાવાર કામગીરી અંતિમ ચરણમાં પહોંચી છે.
આગામી 33 મી રથયાત્રા 16 જુલાઈ ગુરુવાર અષાઢીબીજના દિવસે બપોરે બે કલાકે સંતો અને આગેવાનોની હાજરીમાં અંબાજીચોક મઘરપાટ ખાતેથી પ્રસ્થાન કરી પરંપરાગત રૂટ કુંભારશેરી, માણેક ચોક, ગોપીનાથજી દેવ મંદિર, ટાવર ચોક, પોલીસ લાઇન, બસ સ્ટેશન રોડ, મોહનભાઇ બાવલા પાછળ થઇને અંબાજી ચોક ખાતે વિસર્જન પામશે. અંતમાં ફ્લોટ્સ વિજેતાઓને ઇનામ વિતરણ કરાશે. આ રથયાત્રાને ભવ્ય બનાવવા માટે જુદા જુદા મંડળો દ્વારા ધાર્મિક અને સાંસ્કૃતિક સંદેશા આપતા આકર્ષક ફ્લોટ્સ રજૂ કરશે. તેમજ ડી જે બેન્ડ, ટેડી બિયર, રાસ મંડળીઓ, અખાડા, સિદ્દી બાદશાહની ધમાલ સહિત અનેક આકર્ષણો રંગ જમાવશે. આ રથયાત્રામાં 50 કરતા વધારે વાહનો જોડાશે.
આ રથયાત્રા પૂર્વે અંતિમ તબક્કે શહેર સુશોભન માટે વિશાળ ગેટ અને ધજા પતાકા, કટ આઉટ, તેમજ ત્રણ રથની સફાઈ અને જરૂરી રિપેરિંગ વગેરે પૂર્ણતાના આરે ચાલી રહ્યું છે. આ રથયાત્રા દરમિયાન મુખ્ય પાંચ વિસ્તારોમાં ડ્રોન મારફતે પુષ્પવૃષ્ટિ કરવામાં આવશે.
આ રથયાત્રા માટે મામલતદાર સિધ્ધરાજસિંહ વાળા અધ્યક્ષસ્થાને નગર પાલિકા, પીજીવીસીએલ, પોલીસ તંત્ર, આરોગ્ય કેન્દ્ર, સ્ટેટ ટ્રાન્સપોર્ટ સહિત દરેક કચેરીના જવાબદાર પ્રતિનિધિઓની હાજરીમાં સંકલન મિટિંગ યોજી તકેદારી માટે વૃક્ષોની ડાળીઓ કટીંગ કરવા, રસ્તા ઉપરના ખાડાઓ દૂર કરવા, રખડતા ઢોર ની વ્યવસ્થા કરવા, ઇલેક્ટ્રિક વાયરો તપાસી જરૂરી કામગીરી કરવા, ટ્રાફિક નિયમન કરવા, સફાઈ કામગીરી કરવા, સહિત જરૂરી કામગીરી હાથ ધરવામાં આવી છે.