Jai Hind

વરૂણદેવને રીઝવવા વિરપુરમાં ખેડૂતોની 12 કલાકની અખંડ રામધૂન

સતીમાં રતનમાની દેરી ખાતે સતીમાં યુવક મંડળ દ્વારા આયોજન કરાયું

યાત્રાધામ વીરપુર પંથકમાં ચાલુ વર્ષે મેઘરાજાની મહેર ઓછી રહેતાં ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. વરસાદના અભાવે ખેતરોમાં વાવેલા પાક મુરઝાઈ જવાની ભીતિ વચ્ચે ધરતીપુત્રોએ ભગવાનના શરણે જઈ વરૂણદેવને મનાવવા 12 કલાકની અખંડ રામધૂનનું આયોજન કર્યું હતું.
વીરપુર ખાતે સતીમાં રતનમાની દેરી ખાતે સતીમાં યુવક મંડળના આયોજન હેઠળ સમસ્ત વિરપુર ગામના ખેડૂતો, મહિલાઓ અને ગ્રામજનોએ શ્રદ્ધાભાવપૂર્વક અખંડ રામધૂનમાં ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન “રામ જય રામ જય જય રામ” ના અવિરત જાપ સાથે સમયસર અને સારો વરસાદ વરસે તેમજ ખેડૂતોના ખેતરોમાં ઉભેલા પાકને નવજીવન મળે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.
અખંડ રામધૂનમાં ગામના વિવિધ સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. ધાર્મિક વાતાવરણ વચ્ચે સૌએ એકસ્વરે ભગવાન રામ તથા સંત જલારામ બાપાને પ્રાર્થના કરી કે મેઘરાજા વહેલી તકે પ્રસન્ન થાય અને સમગ્ર પંથક પર અમૃતરૂપી વરસાદ વરસાવી ખેડૂતોના વાવેતર કરેલા પાકને મુરઝાતા બચાવે.
ખેડૂત જેન્તીભાઈ માલાણીએ જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે ગત વર્ષની સરખામણીએ અત્યંત ઓછો વરસાદ વરસતાં ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે અને વાવેલા પાકને નુકસાન થવાની શક્યતા ઊભી થઈ છે. આ સંજોગોમાં ભગવાન રામ અને પૂજ્ય જલારામ બાપાની કૃપાથી વહેલી તકે સારો વરસાદ વરસે તથા ખેડૂતોની મહેનત સફળ બને તે માટે 12 કલાકની અખંડ રામધૂનનું આયોજન કરવામાં આવ્યું છે.
અન્ય ખેડૂત અરવિંદભાઈ રાણપરીયાએ જણાવ્યું હતું કે, સતીમાં યુવક મંડળના આ આયોજનમાં વિરપુર ગામના તમામ સમાજના ભાઈઓ-બહેનો શ્રદ્ધાપૂર્વક જોડાયા છે. ભગવાન અમૃતરૂપી વરસાદ વરસાવી મુરઝાતા પાકને નવું જીવન આપે અને ખેડૂતોની મહેનત એળે ન જાય તેવી સૌએ પ્રાર્થના કરી છે.