ડેમના મેન્ટેનન્સને લઈ જવાબદાર તંત્ર સામે સવાલો
ગયા વર્ષે ડેમના મેન્ટેનન્સ પાછળ ખર્ચ કરેલ રૂા. 1.50 કરોડ પાણીમાં વહી ગયા
ઉમરાળા તાલુકાના રંઘોળા ગામ નજીક રંઘોળી નદી પર આવેલ રંઘોળા સિંચાઈ યોજનાના ડેમનો ગેટ નં.15 પૂરો અને ગેટ નં.10 આંશિક ક્ષતિગ્રસ્ત થતાં છલોછલ ભરેલા ડેમમાંથી લાખો લીટર પાણી રંઘોળી નદીમાં વહી ગયું.આ ઘટનાએ ડેમ અને તેના દરવાજાના મેન્ટેનન્સ પાછળ કરવામાં આવતા લખખુટ ખર્ચ અંગે જવાબદાર તંત્ર સામે અનેક સવાલો ઊભા થયા છે.
ગત શનિવારે બનેલી આ ઘટનાની વિગત મુજબ ઉમરાળાની પશ્ચિમે અહીંથી 20 કિ.મી.દૂર રંઘોળા ગામ નજીક રંઘોળી નદી પર રંઘોળા ડેમ આવેલો છે.આ ડેમનું બાંધકામ આઝાદી પૂર્વે 1946માં ભાવનગરના રાજવી દ્વારા આ વિસ્તારની ખેતીની સિંચાઈ માટે હાથ ધરવામાં આવેલ અને આઝાદી બાદ 1954માં ડેમ તૈયાર થયો ત્યારથી રાજ્યના સિંચાઈ વિભાગ તાબામાં છે.ડેમના બાંધકામનો ખર્ચ જે તે વખતે રૂ.65 લાખ જેટલો થયો હતો અને હાલ તેના મેન્ટેનન્સ પાછળ થતા ખર્ચનો આંકડો કરોડથી વધી જાય છે છતાં ડેમના ગેટ ક્ષતિગ્રસ્ત થવાની કે તૂટવાની ઘટનાઓ ઘટ્યા કરતી હોય છે.હજુ ગયા વર્ષે જ રંઘોળા ડેમના મેન્ટેનન્સ પાછળ રૂ.1.50 કરોડ ખર્ચાયા હોવાની વાત શનિવારની ઘટના બાદ ચર્ચામાં રહી હતી.
ડેમના કુલ બાવન ઓટોમેટિક ગેટ છે.ડેમ પૂરો ભરાય જાય અને ઉપરથી પાણીની આવક ચાલુ હોય તો વધારાના પાણીના નિકાલ માટે દરવાજા આપોઆપ ખુલવા લાગે તેવી તેની રચના છે.ગેટ જરૂરિયાત મુજબ ખોલ-બંધ થતા રહે તે માટે દર વર્ષે ચોમાસા અગાઉ તેમાં ગ્રીસિંગ, ઓઈલિંગ સહિત મેન્ટેનન્સ કરવાનું હોય છે અને તે માટે લખખુટ ખર્ચ કરવામાં આવતો હોય છે.ગત વર્ષે આ ખર્ચ રૂ.1.50 કરોડ થયાની અને છતાં ગેટ ક્ષતિગ્રસ્ત થવાની ઘટના ઘટી ત્યારે મેન્ટેનન્સ અને ખર્ચ બાબત લોકોમાં ચકચાર જાગી હતી.
રંઘોળા ડેમનો દરવાજો ખાંગો થવો,લાખો લીટર પાણી નદીમાં વહી જવું અને ડેમથી નીચાણવાળા ગામોમાં ભયનો માહોલ સર્જાવાની ઘટનાએ ઉમરાળા તાલુકામાં વર્ષ 2007ના જુલાઈની બીજી તારીખે કાળુભાર નદીએ સર્જેલ પૂર હોનારતની યાદ તાજી કરાવી હતી.