પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશ દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત : દારૂના ખુલ્લા વેપાર, શિક્ષક કાંડ અને અધિકારીઓની ભૂમિકા અંગે ઉચ્ચસ્તરીય તપાસની માંગ
ગીર-સોમનાથ જિલ્લામાં દારૂબંધીના અમલ, ખાપટ પ્રાથમિક શાળાના શિક્ષક કાંડ અને જિલ્લા વહીવટી તંત્ર ની કામગીરી સામે પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને કરેલી રજૂઆતથી જિલ્લામાં ફરી રાજકીય અને વહીવટી ગરમાવો જોવા મળી રહ્યો છે. રજૂઆતમાં દારૂબંધીના અમલથી લઈને શિક્ષણતંત્ર અને પોલીસની કામગીરી સુધી અનેક ગંભીર મુદ્દાઓ ઉઠાવી ઉચ્ચસ્તરીય તપાસ અને જવાબદારો સામે દાખલારૂપ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
રજૂઆતમાં જણાવાયું છે કે ગુજરાતમાં દારૂબંધીનો કાયદો હોવા છતાં ગીર-સોમનાથ જિલ્લામાં ઉના, ગીરગઢડા સહિતના વિસ્તારોમાં દારૂનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે. દારૂ ઘર સુધી પહોંચાડવામાં આવતો હોવાના આક્ષેપો સાથે પોલીસની કામગીરી સામે પણ ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. અગાઉ વાંસોજ ગામના મહિલા બુટલેગરના વાયરલ વીડિયો તેમજ દારૂના ધંધા અંગે થયેલા વિવાદાસ્પદ ખુલાસાઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
રજૂઆતમાં ખાપટ પ્રાથમિક શાળાના શિક્ષકના પ્રકરણને સમગ્ર વ્યવસ્થાની નિષ્ફળતાનું જીવંત ઉદાહરણ ગણાવવામાં આવ્યું છે. શિક્ષક દારૂના નશામાં શાળામાં આવતો હોવા, વિદ્યાર્થીઓ પાસે દારૂ મંગાવતો હોવા અને વિદ્યાર્થીઓ સાથે અયોગ્ય વર્તન કરતો હોવાના લેખિત પુરાવા તથા નિવેદનો હોવા છતાં સંબંધિત અધિકારીઓએ સમયસર કડક કાર્યવાહી કરી નહીં અને માત્ર કારણદર્શક નોટિસ આપીને મામલો દબાવવાનો પ્રયાસ કર્યો હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. બાદમાં સમગ્ર મામલો જાહેર થતાં શિક્ષણ વિભાગને શિક્ષકને સસ્પેન્ડ કરવાની ફરજ પડી હતી.
પૂર્વ ધારાસભ્યએ રજૂઆતમાં જિલ્લા વિકાસ અધિકારી, પ્રાથમિક શિક્ષણ અધિકારી તથા અન્ય જવાબદાર અધિકારીઓની ભૂમિકાની રાજ્યસ્તરે સ્વતંત્ર તપાસ કરવાની માંગ કરી છે. સાથે જ ફરજમાં બેદરકારી, ફરિયાદોની અવગણના, સત્તાના દુરુપયોગ અને શિક્ષકને બચાવવાના પ્રયાસ માટે જવાબદારો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની પણ માગણી કરવામાં આવી છે.
દારૂબંધીના મુદ્દે પણ રજૂઆતમાં ગંભીર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. જિલ્લા પોલીસ અસરકારક કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહી હોવાનું જણાવતાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા વારંવાર લાખો રૂપિયાનો દારૂ ઝડપાતો હોવા છતાં સ્થાનિક પોલીસની કામગીરી શંકાના ઘેરામાં હોવાનું રજૂ કરવામાં આવ્યું છે.
પૂર્વ ધારાસભ્યએ સમગ્ર મામલાની તપાસ રાજ્યસ્તરની સ્વતંત્ર સમિતિ અથવા તકેદારી આયોગ દ્વારા કરાવવા, તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી સંબંધિત અધિકારીઓને વહીવટી કામગીરીમાંથી દૂર કરવા તેમજ ભવિષ્યમાં આવી ગંભીર ફરિયાદોમાં જવાબદારી નક્કી કરવાની માંગ સાથે મુખ્યમંત્રીને તાત્કાલિક હસ્તક્ષેપ કરવા માંગણી કરી છે
ગીર-સોમનાથમાં દારૂબંધીના અમલ સામે ગંભીર સવાલો ઉભા કરી ખાપટ શાળા કાંડમાં અધિકારી ઓએ શિક્ષકને બચાવવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપો કરી જિલ્લા પોલીસ અને વહીવટીતંત્રની કામગીરીની ઉચ્ચસ્તરીય તપાસની માંગ સાથે જિલ્લા વિકાસ અધિકારી સહિત જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા રાજ્યસ્તરની સ્વતંત્ર તપાસ સમિતિ અથવા તકેદારી આયોગ દ્વારા તપાસ ની ભલામણ કરી તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી જવાબદાર અધિકારીઓને વહીવટી કામગીરીમાંથી દૂર કરવાની માંગ કરી છે દારૂબંધીનો કાયદો ત્યારે જ અસરકારક ગણાય જ્યારે ગેરકાયદેસર દારૂના વેપાર અને તેને આશ્રય આપતા તંત્ર સામે નિષ્પક્ષ અને કડક કાર્યવાહી થાય તેવુ રજુઆત માં જણાવવું છે.