Jai Hind

અંટાળીયા પાસે સિંહના હુમલા મામલે આરોપીઓના રિમાન્ડ પુરા થતા જેલહવાલે

મૃતક યુવકે અન્ય લોકોને સિંહ દર્શન કરાવવા વીડીયો કોલ કર્યો હતો

અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના અંટાળીયા ગામ નજીક સિંહના હુમલાના બનાવમાં મૃતક યુવક સોહિલ મૂંઝાવરે સિંહની નજીક જઈ અને મોબાઈલ ફોનથી અન્ય બે ઈસમોને વિડીયો કોલ કરી સિંહ દર્શન કરાવતો હતો તે તપાસમાં ખુલ્યું હતું. જેને લઈ આ બનાવમાં વનવિભાગની તપાસ વધુ તેજ બની છે. ઘટનામાં સિંહ દર્શન કરવા ગયેલા મૃતક સહિત ત્રણ શખ્સો સામે અગાઉથી જ વનવિભાગ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો હતો.
વનવિભાગે મૃતક સોહિલ મૂંઝાવર, યશરાજસિંહ વાજા રાઠોડ અને રેહાનખાન પઠાણ સામે સિંહને પજવવા અને વન્યજીવ નિયમોના ભંગ સંબંધિત ગુનો નોંધ્યો હતો. આ કેસમાં લીલીયા કોર્ટે યશરાજસિંહ વાજા રાઠોડ અને રેહાનખાન પઠાણને અગાઉ કોર્ટમાં રજૂ કરતાં બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
રિમાન્ડ દરમિયાન વનવિભાગની ટીમ બંને આરોપીઓને ઘટના સ્થળે લઈ ગઈ હતી અને સમગ્ર બનાવનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું. તપાસ દરમિયાન મૃતકનો મોબાઈલ ફોન, ચપ્પલ સહિતનો મુદામાલ પણ ઘટના સ્થળેથી કબજે લેવામાં આવ્યો હતો.
વનવિભાગે વધુ તપાસમાં જાણવા મળ્યું હતું કે ઘટના સમયે મૃતક યુવકે અન્ય લોકોને સિંહ બતાવવા માટે વીડિયો કોલ કર્યો હતો. આ મામલે વીડિયો કોલ પ્રાપ્ત કરનાર બે યુવકોના પણ નિવેદનો નોંધવામાં આવ્યા છે.
આજે રિમાન્ડ પૂર્ણ થતાં વનવિભાગે બંને આરોપીઓને ફરીથી કોર્ટમાં રજૂ કર્યા હતા. કેસની પ્રાથમિક તપાસ અને રિમાન્ડ દરમિયાન મળેલી વિગતોને ધ્યાને લઈ કોર્ટ દ્વારા બંને આરોપીઓને જેલ હવાલે કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો.
અંટાળીયા નજીક બનેલી આ ઘટના બાદ ગીર પંથકમાં સિંહ દર્શન માટે જતાં લોકોની બેદરકારી અંગે ફરી ચર્ચા શરૂ થઈ છે, ત્યારે વનવિભાગ દ્વારા આવા બનાવો અટકાવવા કડક કાર્યવાહી કરવાની દિશામાં પગલાં લેવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળે છે.