પોલીસ કોન્સ્ટેબલ સાથે ઈકો ચાલકની ઝપાઝપી
માળીયા હાટીના પોલીસ સ્ટેશનમાં સિંહણ સામે ટોર્ચ મારી ખલેલ પહોંચાડનાર શખ્સને ના પાડતા મહિલા વન કર્મી તથા સ્ટાફ સાથે બોલાચાલી કરી, કુહાડી વડે મારવા દોડી, જાનથી મારી નાખવાની ધમકી આપી, ફરજમાં રૂકાવટ કર્યાની ઘટના સામે આવી છે, જ્યારે બીજા બનાવમાં માળીયા હાટીના પોલીસ કોન્સ્ટેબલ સાથે ઈકો કારના ચાલકે ઝપાઝપી કરી, મારી નાખવાની ધમકી આપી, ફરજમાં રૂકાવટ કર્યાની ફરિયાદ નોધાઈ છે.
માળીયા હાટીના પોલીસ સ્ટેશનમાં ફોરેસ્ટ વિભાગના કર્મી ઈન્દીરાબેનએ માળીયા હાટીના પોલીસ સ્ટેશનમાં આરોપી જાદવભાઈ નંદાણીયા (રહે.પાણકવા, તા.માળીયા હા.) સામે એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, ફરીયાદી તેના સ્ટાફ સાથે તેમની કાયદેસરની ફરજ ઉપર હતા, દરમ્યાન પાણકવા ગામે રાત્રિના સમયે બસ સ્ટેશન પાસે એક માંદા સિંહણ રસ્તો ક્રોસ કરતી હતી ત્યારે આ કામના આરોપી જાદવભાઈ નંદાણીયા પોતાની મોટર સાયકલ સાથે આવી પોતાની પાસે રહેલ ટોચ માંદા સિહણ ઉપર કરતા હોય, જેથી ફરીયાદી ઈન્દીરાબેન તથા તેમના સ્ટાફે ટોર્ચ બંધ કરવાનુ કહેતા આરોપી ઉશ્કેરાય જઈ ફરીયાદી ઈન્દીરાબેન સાથે બોલાચાલી કરી, ગાળો બોલી, પોતાની પાસે રહેલ કુહાડી વડે ફરીયાદી તથા સાહેદોને મારવા દોડી, જાનથી મારી નાખવાની ધમકી આપી, ફરીયાદીની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી હથિયાર બંધી જાહેરનામાનો ભંગ કરેલ છે. આ ફરિયાદના આધારે પોલીસે આરોપી શખ્સ વિરુદ્ધ ગુન્હો દાખલ કરી, વધુ તપાસ હાથ ધરી છે.
જયારે બીજા એક બનાવમાં માળીયા હાટીના તાલુકાના અમરાપુર (ગીર) ગામનો સુરેશભાઈ છગનભાઈ કણેત અમરાપુર ગામના મોટા બ્રીજ ઉપર ઈકો વાહન રાખી મળી આવતા માળીયા હાટીના પોલીસ કોન્સ્ટેબલ મિલન વાળાએ સુરેશભાઈને પુછપરછ કરતા તેમજ તેમના હવાલાની ઈકો વાહન બાબતે પુછતા આરોપીએ પોલીસ કોન્સ્ટેબલ સાથે ગેરવર્તન કરી, ફરીયાદીને ગાળો આપી, તથા ઝપાઝપી કરી, જાનથી મારી નાખવાની ધમકી આપી, કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી ગુન્હો કર્યા અંગેની પોલીસ કોન્સ્ટેબલ મિલન વાળા એ આરોપી સુરેશ છગનભાઈ કણેત સામે માળીયા હાટીના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.