Jai Hind

કલ્યાણપુરના સુઈનેસની વાડી વિસ્તારમાં ચાલતી કલબ પર દરોડો : સાત ઝડપાયા

પોલીસે રૂ. 54,200ની રોકડ મળી રૂ. 2.30 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

કલ્યાણપુરના સુઈનેસ ગામના વાડી વિસ્તારમાં ચાલતી ક્લબ પર પોલીસે દરોડો પાડ્યો સાત જુગારીને ઝડપી લઈ રૂ. 52,400ની રોકડ મળી રૂ. 54,200ની રોકડ મળી રૂ. 2.30 લાખનો મુદામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
એલસીબી સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ એલ.સી.બી. વિભાગના ઈન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશીના માર્ગદર્શન હેઠળ એલસીબીની તેમની ટીમ દ્વારા ગઈકાલે રવિવારે હાથ ધરવામાં આવેલા નાઈટ પેટ્રોલિંગ દરમિયાન કલ્યાણપુર નજીકના સુઈનેસ ગામના વાડી વિસ્તારમાં જુગાર રમતો હોવાની ચોક્કસ બાતમી સ્ટાફના એએસઆઈ કિશોરભાઈ નંદાણીયા, ડાડુભાઈ જોગલ અને ખીમાભાઈ કરમુરને મળી હતી.
બાતમીના આધારે સુઈનેસ ગામના વાડી વિસ્તારમાં રહેતા સાજણ માણસુરભાઈ ગઢવી નામના શખ્સ દ્વારા પોતાની વાડીએ આવેલા પોતાના કબજા ભોગવટાના રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી અને તેઓને લાઈટ, પાણી અને જુગારના સાધનોની વ્યવસ્થા પૂરી પાડી, તેના બદલામાં નાલ ઉઘરાવીને ગંજીપાના વડે રમાડવામાં આવતો જુગાર ઝડપાયો હતો. આ જુગારના અખાડામાંથી પોલીસે સાજણ માણસુર ગઢવી, ખીમા નારણ ચાવડા, દેશુર અરજણ ચાવડા, ખીમા રાણા પારીયા, વિશાલ શાંતિલાલ દાવડા, શાંતિલાલ ઓધવજી આરંભડિયા અને અશોક નાથાલાલ ઠાકર નામના સાત શખ્સોને દબોચી લીધા હતા.
આ દરોડા દરમિયાન પોલીસે રૂ. 54,200 ની રોકડ રકમ તથા રૂ. 30,500 ની કિંમતના છ નંગ મોબાઈલ ફોન તથા એક ઈક્કો મોટરકાર અને એક એક્ટિવા મળી કુલ રૂપિયા 2,34,700 નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી હતી.