Jai Hind

રાજુલાની જનરલ હોસ્પિટલમાં ભ્રષ્ટાચારનો સ્લેબ તુટ્યાના 8 દી બાદ પણ પ્રસૃતાઓ લોબીમાં રઝળીે

રૂા. 10 કરોડના ખર્ચે બનેલી હોસ્પિટલનો સ્લેબ તાજેતરના વરસાદમાં તુટેલો
સદભાગ્યે ત્યારે મોટી દુર્ઘટના અટકી ગઈ હતી : કોન્ટ્રક્ટરને બિલ ન ચુકવવામાં આવે, જવાબદારો સામે તાત્કાલીક ગુનો દાખલ કરવામાં આવે તેવી લોકમાંગ

સરકાર પ્રજાના સ્વાસ્થ્ય માટે કરોડો રૂપિયા ખર્ચે છે. ધારાસભ્યો દિવસ-રાત મહેનત કરીને પોતાના વિસ્તાર માટે સુવિધાઓ લાવે છે. પરંતુ જ્યારે તે પૈસા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોના પેટમાં જાય ત્યારે પ્રજાનો જીવ જોખમમાં મુકાય છે. તેનું જીવતું જાગતું ઉદાહરણ રાજુલાની 100 બેડની ભૂતા વોરા જનરલ હોસ્પિટલ છે.
ધારાસભ્યહીરા સોલંકીની મહેનતથી રાજુલા, ખાંભા અને જાફરાબાદના ત્રણ તાલુકાની પ્રજા માટે 9 થી 10 કરોડના ખર્ચે 100 બેડની અત્યાધુનિક હોસ્પિટલ મંજૂર થઈ હતી. 5 વર્ષ પહેલા આ હોસ્પિટલનું ઉદ્ઘાટન રાજ્યના આરોગ્ય મંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. સપના બતાવવામાં આવ્યા હતા કે હવે પ્રસુતિ માટે, ઓપરેશન માટે, ગંભીર દર્દીઓ માટે બહાર ભાવનગર કે અમરેલી દોડવું નહીં પડે.
પરંતુ આજે તે જ હોસ્પિટલ પ્રજા માટે મોતનો દરવાજો બની ગઈ છે. તાજેતરમાં માત્ર 10 ઇંચ વરસાદ પડ્યો અને આ 10 કરોડની બિલ્ડીંગનો ભાંડો ફૂટી ગયો. ત્રીજા માળાના ધાબામાં એટલું પાણી ભરાયું કે નીચે સ્લેબમાંથી પાણીના ધોધ પડવા લાગ્યા. સિમેન્ટના મોટા મોટા પોપડા ધડાધડ તૂટીને નીચે પડવા લાગ્યા. તે સમયે પ્રસુતિ વોર્ડમાં 50 થી વધુ મહિલાઓ દાખલ હતી. રાતના 12 વાગ્યે હોસ્પિટલમાં દેકારો બોલી ગયો. પટાવાળા, કારકુન અને નર્સો દોડતા થઈ ગયા. જીવ બચાવવા માટે મજબૂરીથી ડોક્ટરોએ પીડાતી પ્રસુતિની માતાઓને તેમના ખાટલા સહિત રાતોરાત હોસ્પિટલની લોબીમાં શિફ્ટ કરી દીધી. આજે પણ 8 દિવસ થવા છતાં તે માતાઓ લોબીમાં જ પડી છે. ઉપર પંખો નથી, સ્વચ્છતા નથી, અને સૌથી મોટો ભય એ છે કે કોઈપણ ઘડીએ ઉપરથી સ્લેબનો ભાગ તૂટીને પડે તો? આ ઘટનામાં કુદરતે કૃપા કરી એટલે કોઈને ઈજા ન થઈ. નહીંતર આ ભ્રષ્ટાચારના કારણે અનેક માતાઓ અને નવજાત બાળકોના જીવ ગયા હોત. લાખો રૂપિયાના સરકારી ટેબલ, કબાટ, પલંગ અને કાચના સાધનો પોપડા પડવાથી ટુકડે ટુકડા થઈ ગયા છે. હોસ્પિટલનું જે દ્રશ્ય છે તે જોઈને કોઈપણ માણસનું કાળજું કંપી ઉઠે. હવે સૌથી મોટો સવાલ એ છે કે આવું કેમ થયું? જવાબ સ્પષ્ટ છે ભ્રષ્ટાચાર. આ હોસ્પિટલનું કામ ઙઈંઞ અમરેલીના અધિકારીઓ દ્વારા કોન્ટ્રાક્ટરને સોંપવામાં આવ્યું હતું. કામ શરૂ થયું ત્યારે જ તે સમયના હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ બગડાએ અખબારોમાં અને લેખિતમાં સ્પષ્ટ ફરિયાદ કરી હતી કે કામ અત્યંત નબળી ગુણવત્તાનું થઈ રહ્યું છે. તેમણે કહ્યું હતું કે સિમેન્ટ ઓછી વપરાય છે, સરિયા પાતળા છે, ત્રીજા માળે પ્લાસ્ટર પણ કરવામાં આવતું નથી. બગડાની આ રજૂઆત તે સમયે તમામ છાપામાં પ્રસિદ્ધ પણ થઈ હતી. છતાં ઙઈંઞ ના અધિકારીઓએ કોઈ પગલા લીધા નહીં. કોઈ તપાસ ન થઈ. કોન્ટ્રાક્ટરે પોતાની મનમાની ચાલુ રાખી અને માત્ર બે જ વર્ષમાં ઉતાવળે કામ પૂરું કરીને તમામ બિલ સરકાર પાસેથી ઉપાડી લીધા. જો તે સમયે બગડાની ફરિયાદને ગંભીરતાથી લેવામાં આવી હોત તો આજે આ દુર્ઘટના ન થાત. પ્રજાના 10 કરોડ રૂપિયા અને 50 માતાઓનો જીવ ન બચાવ્યો હોત. પરંતુ અધિકારીઓની મિલીભગતના કારણે એક પ્રમાણિક અધિકારીનો અવાજ દબાવી દેવામાં આવ્યો.
અમારી એક જ માંગ છે. આ કોન્ટ્રાક્ટરને એક પણ રૂપિયો વધુ ચૂકવવામાં ન આવે. અત્યાર સુધી ચૂકવાયેલા તમામ પૈસા તેની પાસેથી વ્યાજ સાથે વસૂલ કરવામાં આવે. ઙઈંઞ ના જે અધિકારીઓએ નબળું કામ સ્વીકારીને બિલ પાસ કર્યા અને સુપ્રિટેન્ડેન્ટ બગડાની ફરિયાદને અવગણી તેમની સામે તાત્કાલિક સસ્પેન્શન અને ફોજદારી ગુનો દાખલ કરવામાં આવે. પ્રસુતિની માતાઓ માટે તાત્કાલિક સુરક્ષિત અને સ્વચ્છ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે. ડોક્ટરો અને સ્ટાફની ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવામાં આવે. જો આગામી 7 દિવસમાં કોઈ કડક કાર્યવાહી ન થાય તેની તમામ જવાબદારી સરકાર અને આરોગ્ય ખાતાના અધિકારીઓની રહેશે.