Jai Hind

રૂા.26.80 કરોડના ખર્ચે ભક્તિનગર સ્ટેશનનો કાયાકલ્પ કરાયો

મુસાફરોને મળશે વિશ્ર્વસ્તરીય સુવિધાઓ

પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનના ભક્તિનગર રેલવે સ્ટેશનનો ‘અમૃત ભારત સ્ટેશન યોજના’ અંતર્ગત પુનર્વિકાસ કરવામાં આવ્યો છે. રાજકોટ શહેરની મધ્યમાં આવેલા આ મહત્વપૂર્ણ સ્ટેશનને આધુનિક મુસાફર સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યું છે. પરિયોજનાના લગભગ તમામ કાર્યો પૂર્ણ થઈ ગયા છે અને સ્ટેશનનું ઉદ્ઘાટન આગામી દિવસોમાં પ્રસ્તાવિત છે, ત્યારબાદ મુસાફરોને આ સુવિધાઓનો પૂર્ણ લાભ પ્રાપ્ત થશે.
રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્ર વિસ્તારનું એક મહત્વપૂર્ણ ઔદ્યોગિક અને વ્યાપારિક રેલ કેન્દ્ર હોવાની સાથે-સાથે ભક્તિનગર રેલવે સ્ટેશન દરરોજ આશરે 6,900 મુસાફરોની અવરજવર વાળું અગ્રણી સ્ટેશન છે. મુસાફરોની વધતી જતી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને 26.80 કરોડના ખર્ચે સ્ટેશનનો પુનર્વિકાસ કરવામાં આવ્યો છે, જેમાં સ્ટેશન ભવનના વિકાસ માટે 11.81 કરોડ અને ફૂટ ઓવર બ્રિજ નિર્માણ માટે 14.99 કરોડની રકમનો ખર્ચ કરવામાં આવ્યો છે.
સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 1 પર કોટા સ્ટોન ફ્લોરિંગ અને પ્લેટફોર્મ નંબર 2 તેમજ 3 પર વધારાના કવર શેડનું નિર્માણ કરવામાં આવ્યું છે. સ્ટેશન ભવનને આધુનિક એસીપી ક્લેડિંગ સાથે આકર્ષક સ્વરૂપ આપવામાં આવ્યું છે અને મુસાફરોની સુવિધા માટે અલગ પ્રવેશ અને નિકાસ દ્વાર વિકસાવવામાં આવ્યા છે. આશરે 8,600 ચોરસ ફૂટ વિસ્તારમાં સ્ટેશન ભવનનું અપગ્રેડેશન અને 2,760 ચોરસ ફૂટમાં વિશાળ કોનકોર્સ હોલનું નિર્માણ કરવામાં આવ્યું છે. મુસાફરોની અવરજવરને વધુ સરળ બનાવવા માટે 12 મીટર પહોળા મુખ્ય ફૂટ ઓવર બ્રિજ તેમજ વેરાવળ દિશા તરફ 3.66 મીટર પહોળા વધારાના ફૂટ ઓવર બ્રિજનું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ચૂક્યું છે. સાથે જ, 20-20 મુસાફરોની ક્ષમતા વાળી 4 આધુનિક લિફ્ટ સ્થાપિત કરવામાં આવી છે, જેનાથી વરિષ્ઠ નાગરિકો, દિવ્યાંગજનો, ગર્ભવતી મહિલાઓ અને બાળકો સાથે મુસાફરી કરનારા મુસાફરોને વિશેષ સુવિધા પ્રાપ્ત થશે.
આ પ્રસંગે રાજકોટ ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીનાએ જણાવ્યું હતું કે, ભક્તિનગર સ્ટેશનનો પુનર્વિકાસ રાજકોટ ડિવિઝનની આધુનિક, સુરક્ષિત અને મુસાફર-કેન્દ્રિત રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવાની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે. અહીં વિકસાવવામાં આવેલી સુવિધાઓ મુસાફરોને સુરક્ષિત, સરળ અને ગુણવત્તાયુક્ત મુસાફરીનો અનુભવ પ્રદાન કરવાની સાથે-સાથે રાજકોટ અને સૌરાષ્ટ્ર વિસ્તારના ઔદ્યોગિક, વ્યાપારિક તેમજ સામાજિક વિકાસને પણ નવી ગતિ આપશે.