Jai Hind

ઉના અને ગીરગઢડામાં ગાંજાના કારોબારનો પર્દાફાશ : પોલીસની કાર્યવાહીથી ફફડાટ

ખેતરમાં ગાંજાનું વાવેતર ઝડપાયું, અન્ય કેસમાં વેચાણ માટેનો જથ્થો કબજે

ગીર સોમનાથ જિલ્લામાં નશીલા પદાર્થોના કારોબાર સામે પોલીસે સઘન અભિયાન શરૂ કર્યું છે. તેના ભાગરૂપે એસઓજી ટીમે એક જ દિવસમાં ઉના અને ગીર ગઢડા વિસ્તારમાં એનડીપીએસ એક્ટ હેઠળ બે અલગ-અલગ કેસ નોંધાવી ગાંજાના વાવેતર અને વેચાણના કારોબારનો પર્દાફાશ કર્યો છે.
જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા અને ગીર સોમનાથ પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એસઓજી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એમ. કાગડા અને પીએસઆઈ આર.એચ. સુવાના નેતૃત્વમાં ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન મળેલી બાતમીના આધારે અલગ-અલગ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા.
ઉના તાલુકાના શાડેસર ગામની ઘોડીધાર સીમમાં અરજણભાઈ ચીનાભાઈ બાંભણિયાના ખેતરમાં અન્ય પાકની આડમાં ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે દરોડો પાડી 205 ગ્રામ વજનના ગાંજાના છોડ અને એક મોબાઇલ ફોન મળી કુલ રૂ. 10,750નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપી સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં આરોપી ગાંજાના છોડ સુકવી છૂટક વેચાણ કરતો હોવાનું સામે આવ્યું છે.
બીજી તરફ ગીર ગઢડા તાલુકાના ઝુડવડલી ગામ નજીક રાધે ગૌશાળા પાસે એસઓજી ટીમે દરોડો પાડી રાજાભાઈ માલાભાઈ મકવાણાને 455 ગ્રામ ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો. આરોપી પાસેથી ગાંજો તથા એન્ડ્રોઇડ મોબાઇલ મળી કુલ રૂ. 26,750નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ આરોપી ગાંજાનો જથ્થો રાખી છૂટક વેચાણ કરતો હતો.
બંને કેસમાં ઉના અને ગીર ગઢડા પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુના નોંધાયા છે. સમગ્ર કાર્યવાહી એસઓજી, ઉના અને ગીર ગઢડા પોલીસની સંયુક્ત ટીમે હાથ ધરી હતી. ગીર સોમનાથ જિલ્લામાં ગાંજો, ચરસ અને અન્ય નશીલા પદાર્થોના વેચાણ અને વાવેતરને જડમૂળથી નાબૂદ કરવા પોલીસ દ્વારા સતત સઘન ચેકિંગ અને દરોડાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. એક જ દિવસમાં બે કેસ ઝડપાતા નશાના ધંધાર્થીઓમાં ફફડાટ ફેલાયો છે.