એક વર્ષની સાદી કેદ અને ફરિયાદીને રૂા. 5 લાખ વળતર ચુકવવાનો હુકમ
ગીર ગઢડા ખાતેના મુખ્ય નાગરિક ન્યાયાધીશ અને જે. એમ.એફ.સી.ની અદાલતે નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ, 1881ની કલમ 138 હેઠળના ચેક બાઉન્સ કેસ માં મહત્વપૂર્ણ ચુકાદો આપતા ઉનાના સરકારી શાળાના પ્રિન્સિપાલ કૌશિકકુમાર મણિલાલ લખાણીને દોષિત ઠેરવી એક વર્ષની સાદી કેદની સજા તેમજ ફરિયાદીને રૂ. 5 લાખ વળતર ચૂકવવાનો હુકમ કર્યો છે. વળતરની રકમ ન ચૂકવવામાં આવે તો વધારાની સાદી કેદની સજા ની પણ જોગવાઈ કરવામાં આવી છે.
કોર્ટમાં રજૂ થયેલા કેસ મુજબ અલીદર ગામના ભરતભાઈ બાલુભાઈ ગોહિલે બાંધકામ માટે શિક્ષક ને રૂ. 2.50 લાખ ઉધાર આપ્યા હતા. આ રકમ પરત ચૂકવવા આરોપીએ તા. 19 જાન્યુઆરી, 2021ના સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, ઉના શાખાનો રૂ. 2.50 લાખનો ચેક આપ્યો હતો.જોકે ચેક બેંકમાં રજૂ કરતાં ફંડ્સ ઇન્સફિશિયન્ટ ના કારણસર પરત ફર્યો હતો. ત્યારબાદ કાયદેસરની નોટિસ મોકલવા છતાં આરોપીએ રકમની ચુકવણી ન કરતાં ફરિયાદી દ્વારા અદાલતમાં કેસદાખલ કરવામાં આવ્યો હતો.
કેસની સુનાવણી દરમિયાન રજૂ થયેલા દસ્તાવેજી અને મૌખિક પુરાવા, સાક્ષીઓની જુબાની તેમજ બંને પક્ષોની દલીલોનું મૂલ્યાંકન કર્યા બાદ અદાલતે ફરિયાદી પક્ષનો કેસ શંકાથી પર સાબિત થયો હોવાનું માન્યરાખી આરોપીને દોષિત જાહેર કર્યો હતો.
આ કેસમાં ફરિયાદી તરફથી સિનિયર એડવોકેટ ભરત બી. સોલંકીના માર્ગદર્શન હેઠળ એડવોકેટ રવિ આર. સોલંકી અને પી.વી. સોલંકીએ અસરકારક દલીલો તથા પુરાવા રજૂ કર્યા હતા. અદાલતે પોતાના કારણસભર ચુકાદામાં કાયદાના સ્થાપિત સિદ્ધાંતોને આધારે નિર્ણય આપતાં ચેક બાઉન્સના કેસોમાં જવાબદારી અને નાણાકીય વ્યવહારોમાં વિશ્વસનીયતા જાળવવાનો સ્પષ્ટ સંદેશ આપ્યો છે.