Jai Hind

ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાને 1800થી વધુ પોલીસ જવાનોની અભેદ કિલ્લેબંધી

12 વોચ ટાવર, 80 હાઈટેક દુરબીનથી દરેક ગતિવિધિ પર નજર રખાશે

ભાવનગરમાં અષાઢી બીજના પાવન પર્વે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા યોજાવા જઈ રહી છે. આ મહામહોત્સવ શાંતિપૂર્ણ અને ભક્તિસભર માહોલમાં સંપન્ન થાય તે માટે પોલીસ તંત્ર દ્વારા સુરક્ષાનું લોખંડી અને અભેદ કિલ્લા જેવું આયોજન કરી દેવામાં આવ્યું છે. સમગ્ર રથયાત્રાના રુટને સુરક્ષા કવચથી સજ્જ કરવા માટેનો એક્શન પ્લાન આખરી ઓપ આપી દેવાયો છે.
તા. 16 મી જુલાઈના દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજવાની છે ત્યારે ભાવનગર પોલીસ તંત્ર દ્વારા રથયાત્રાની પૂર્વ તૈયારીના ભાગરૂપે પોલીસ વિભાગ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં મોટા પ્રમાણમાં બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. રથયાત્રાના આગળના દિવસોમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સઘન કોમ્બિંગ અને ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. કાયદો અને વ્યવસ્થાની જાળવણી અર્થે પોલીસે કડક પગલાં ભરવાનું શરૂ કર્યું છે, જેના અંતર્ગત શહેરના જાણીતા હિસ્ટ્રીશીટરો અને ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંકળાયેલા અસામાજિક તત્વોની અટકાયત (પગલાં) કરી લેવામાં આવી છે જેથી શાંતિ ડહોળવાનો કોઈ પ્રયાસ ન થઈ શકે. તદુપરાંત આ વર્ષે સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે માનવબળ અને આધુનિક સંસાધનોનો વ્યાપક ઉપયોગ કરવામાં આવ્યો છે.
રથયાત્રા દરમિયાન 15 એએસપી, ડીવાયએસપી, 48 પોલીસ ઈન્સપેક્ટર, 106 સબ ઈન્સપેક્ટર સહિત 1,836 પોલીસ જવાનો ખડેપગે રહેશે. હોમગાર્ડના 1,500 જવાનો અને એસઆરપીની 4 સ્પેશિયલ કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. તેમજ 32 ઘોડેસ્વાર પોલીસ અને 21 ગેસમેન બંદોબસ્તનો હિસ્સો બનશે. આખીયે રથયાત્રા પર દેખરેખ અને નજર બનાવી રાખવા 12 વોચ ટાવર, 24 વિડિયોગ્રાફર અને 80 હાઈ-ટેક દુરબીનથી દરેક ગતિવિધિ પર વોચ રખાશે. સંચાર અને વહીવટ, કમ્યુનિકેશન માટે 140 વોકીટોકી અને વ્યવસ્થા જાળવવા 31 એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ હાજર રહેશે. કોઈપણ કટોકટીને પહોંચી વળવા 4 એમ્બ્યુલન્સ અને 4 ફાયર ફાઈટરની ટીમો તૈનાત રહેશે. પોલીસ પ્રશાસન દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ શાંતિપૂર્વક દર્શનનો લાભ લે અને કોઈપણ શંકાસ્પદ વસ્તુ કે વ્યક્તિ દેખાય તો તુરંત પોલીસનો સંપર્ક કરે. તંત્ર ભગવાનની નગરચર્યાને નિર્વિઘ્ન પૂર્ણ કરાવવા સંપૂર્ણ સજ્જ છે.