Jai Hind

વિશ્ર્વ વસ્તી દિવસ નિમિત્તે લીલીયા સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજમાં વિવિધ જાગૃતિ કાર્યક્રમો યોજાયા


નિબંધ, વકતૃત્વ, ચિત્ર સ્પર્ધા, વ્યાખ્યાન દ્વારા વિદ્યાર્થીઓમાં વસ્તી જાગૃતિનો સંદેશ પ્રસરાવ્યો

વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે તા. 11ના રોજ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, લીલીયા ખાતે વિવિધ જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોલેજના સમાજશાસ્ત્ર વિભાગ અને સામુદાયિક સેવા ધારા દ્વારા સંયુક્ત રીતે યોજાયેલા આ કાર્યક્રમનું આયોજન કોલેજના આચાર્ય ડો. રાજેન્દ્રસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ સમાજશાસ્ત્ર વિભાગના વડા અને આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. મહેશ એસ. ગઢિયાના નેતૃત્વમાં કરવામાં આવ્યું હતું.
વિશ્વ વસ્તી દિવસની ઉજવણીના ભાગરૂપે વિદ્યાર્થીઓમાં વસ્તી સંબંધિત મુદ્દાઓ અંગે જાગૃતિ લાવવાના હેતુથી નિબંધ, વકતૃત્વ અને ચિત્રસ્પર્ધા ઉપરાંત રાજ્યકક્ષાની ઓનલાઈન ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
નિબંધ સ્પર્ધામાં ’વિકસિત ભારત માટે સંતુલિત વસ્તીનું મહત્વ’, ’વિશ્વ વસ્તી દિવસનું મહત્વ’ તથા ’વધતી વસ્તી પડકારો અને ઉકેલો’ જેવા વિષયો પર વિદ્યાર્થીઓએ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. જ્યારે વકતૃત્વ સ્પર્ધામાં ’વસ્તી વૃદ્ધિ અને કુદરતી સંસાધનો પર અસર’, ’વસ્તી વૃદ્ધિ અને બેરોજગારી’ તેમજ ’મહિલા શિક્ષણ અને વસ્તી નિયંત્રણ’ જેવા સમકાલીન વિષયો પર અસરકારક રજૂઆતો કરવામાં આવી હતી.
ચિત્રસ્પર્ધાનો વિષય ’ટશસતશિં ઇવફફિિં 2047 ઢજ્ઞીક્ષલ ઙયજ્ઞાહય શક્ષ અભશિંજ્ઞક્ષ’ રાખવામાં આવ્યો હતો, જેમાં વિદ્યાર્થીઓએ પોતાની સર્જનાત્મકતા દ્વારા વિકસિત ભારતના નિર્માણમાં યુવાનોની ભૂમિકા અને વસ્તી જાગૃતિનો સંદેશ આપતાં આકર્ષક ચિત્રો રજૂ કર્યા હતા.
આ ઉપરાંત ગુજરાત રાજ્યની વિવિધ કોલેજોના વિદ્યાર્થીઓ અને અધ્યાપકોને ધ્યાનમાં રાખીને રાજ્ય કક્ષાની ઓનલાઈન બહુવિકલ્પીય (ખઈચ) ક્વિઝનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ગૂગલ ફોર્મ મારફતે યોજાયેલી આ ક્વિઝમાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને ડિજિટલ પ્રમાણપત્ર આપવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
કાર્યક્રમને સફળ બનાવવા માટે આસિસ્ટન્ટ પ્રોફેસર (હિન્દી) ડો. મહેશ વાઘેલા, આસિસ્ટન્ટ પ્રોફેસર (ગુજરાતી) ડો. ભારત ખેની તેમજ વિઝિટિંગ ફેકલ્ટી પ્રદીપભાઈ બલોલીતા, પ્રફુલભાઈ સોલંકી, ધર્મેશભાઈ સહિત સમગ્ર સ્ટાફે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.