Jai Hind

હવે મંદિરો તસ્કરોના નિશાને; હાલારમાં ચાર મંદિરમાંથી 4.30 લાખની ચોરી

કાલાવડના બાલંભડી ગામે ખોડીયાર મંદિર, ચન્દ્રાગા ગામમાં ત્રણ પૌરાણીક મંદિરમાં ચોરીથી ભાવિકોમાં રોષ

હાલાર પંથકમાં તસ્કરો ચાર મંદિરને નિશાન બનાવી 4.30 લાખના છત્તર, મૂર્તિ, ઘઠટની ચોરી કરતા ચકચારમ ચી છે. કાલાવડના બાલંભડી ગામે ખોડીયાર મંદિર તથા ચન્દ્રાગા ગામે એકી સાથે ત્રણ પૌરાણીક મંદિરમાંથી ચોરી થતા ભાવિકોમાં રોષ ફેલાયો છે.
કાલાવડ તાલુકાના બાલંભડી ગામે આવેલ અકબરી પરિવારના કુળદેવી ખોડિયાર માતાજીના મંદિરમાં ચોરીની ઘટના સામે આવતાં ભક્તોમાં રોષ અને ચિંતા ફેલાઈ છે. અજાણ્યા તસ્કરે મંદિરના ગર્ભગૃહના દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કરી આશરે રૂ.1.20 લાખ કિંમતના ચાંદીના મોટા અને નાના છતરની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. સમગ્ર ઘટના મંદિર ખાતે લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોવાનું સામે આવ્યું છે.
આ બનાવ અંગે બાલંભડી ગામે રહેતા અને મંદિરની દેખરેખ રાખતા પ્રફુલભાઈ બચુભાઈ અકબરી (પટેલ) (ઉ.વ.58)એ કાલાવડ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ તા.13 જુલાઈની રાત્રે ગામના હરસુખભાઈ જીવરાજભાઈ અકબરી નો ફોન આવ્યો હતો કે મંદિર ખાતે ચોરી થઈ છે. તેઓ તાત્કાલિક મંદિર પહોંચતા ગર્ભગૃહના દરવાજાના તાળાનો નકૂચો તૂટેલો જોવા મળ્યો હતો અને માતાજીને અર્પણ કરાયેલ આશરે 500 ગ્રામ વજનનું ચાંદીનું મોટું છતર તેમજ અન્ય આઠ જેટલા નાના ચાંદીના છતરાં ગાયબ હોવાનું જાણવા મળ્યું હતું.
ત્યારબાદ મંદિરના સીસીટીવી કેમેરાની તપાસ કરતાં રાત્રે અંદાજે 12:29 વાગ્યે મોઢા પર બુકાની બાંધેલો એક અજાણ્યો શખ્સ મંદિરની અંદર પ્રવેશતો જોવા મળ્યો હતો. તેણે કોઈ સાધન વડે ગર્ભગૃહના દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કરી ચાંદીનું મોટું છતર તથા અન્ય નાના છતરાં ચોરી લીધા હતા અને અંદાજે 12:35 વાગ્યે મંદિરમાંથી નીકળી ગયો હોવાનું કેમેરામાં કેદ થયું હતું.
ચોરી ગયેલા સામાનમાં રૂ.1,18,000 કિંમતનું આશરે 500 ગ્રામ વજનનું ચાંદીનું મોટું છતર તથા રૂ.2,000 કિંમતના અન્ય નાના ચાંદીના છતરાં મળી કુલ રૂ.1,20,000નો મુદ્દામાલ સામેલ છે.
કાલાવડ ટાઉન પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી વધુ તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર આકાશ લીલાધરભાઈ બારસિયાને સોંપી છે. પોલીસે સીસીટીવીના આધારે આરોપીની ઓળખ કરી તેને ઝડપી પાડવા માટે તપાસનો દોર શરૂ કર્યો છે.
જયારે બીજા બનાવમાં ચન્દ્રાગા ગામમાં આવેલા શ્રી ચામુંડા માતાજીના પૌરાણિક મંદિરમાં વર્ષોથી ચડાવવામાં આવેલા આશરે બે કિલો પંચધાતુના છત્તરો તેમજ બે ગ્રામ વજનનું સોનાનું છત્તર મળી અંદાજે રૂ. 1 લાખનો મુદ્દામાલ ગાયબ હોવાનું જાણવા મળ્યું હતું. શરૂઆતમાં પરિવારજનોએ ગામમાં પૂછપરછ કરી તેમજ જાતે તપાસ હાથ ધરી હતી, પરંતુ કોઈ ભાળ મળી નહોતી. ત્યારબાદ મંદિરની બાજુમાં રહેતા વ્યક્તિએ ફોન કરીને મંદિરમાંથી છત્તરો ગાયબ હોવાની જાણ કરતાં પરિવારજનો સ્થળ પર પહોંચ્યા હતા.
આ દરમિયાન વધુ તપાસ કરતાં ચન્દ્રાગા ગામની નદી પાસે આવેલા ખોડિયાર માતાજીના પૌરાણિક મંદિરમાંથી આશરે 14.5 કિલો વજનનો પિત્તળનો ઘંટ, જેની કિંમત અંદાજે રૂ. 10 હજાર છે, તે પણ ચોરી થયેલો હોવાનું બહાર આવ્યું હતું. ઉપરાંત નજીકમાં આવેલા વાકોલ માતાજીના પૌરાણિક મઢમાંથી આશરે બે તોલા વજનનું સોનાનું ચળું (આભૂષણ), જેની કિંમત અંદાજે રૂ. 2 લાખ છે, તે પણ તસ્કરો ઉઠાવી ગયા હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસ ફરિયાદ મુજબ તા. 13 જૂન, 2026 થી તા. 11 જુલાઈ, 2026 દરમિયાન કોઈપણ સમયે અજાણ્યા તસ્કરોએ ચન્દ્રાગા ગામના ત્રણ અલગ-અલગ પૌરાણિક મંદિરોને નિશાન બનાવી સોના, પંચધાતુના છત્તરો તથા પિત્તળના ઘંટ સહિત કુલ અંદાજે રૂ. 3.10 લાખનો મુદ્દામાલ ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ફરિયાદના આધારે પોલીસ ઇન્સ. વી જે રાઠોડ અને તેની ટીમ એ તપાસ શરૂ કરી છે.