Jai Hind

ગઢડામાં આજે બપોરે ભારે મેદની વચ્ચે નિકળશે ભવ્યતાભવ્ય રથયાત્રા

વહેલી સવારે ભગવાનની ત્રણેય મૂર્તિનું પૂજન કરાશે

ગઢડા(સ્વામીના) શહેરમાં 33 મી રથયાત્રા માટે ભારે થનગનાટ વચ્ચે અસંખ્ય લોકો રથયાત્રાની પૂર્વ રાત્રિએ તૈયારીઓ પૂર્ણ કરવા માટે ભારે થનગનાટ વચ્ચે જહેમત ઉઠાવી રહ્યા છે. આ રથયાત્રા માટે સવારે સાત કલાકે ત્રણેય કાષ્ટ ની મૂર્તિઓનું વિધિવત્ પૂજન કરાશે. તેમજ ત્રણ જુદા જુદા રથમાં જગન્નાથજી, સુભદ્રાજી અને બલભદ્રજીની મૂર્તિઓ સ્થાપિત કરી હાથ વડે રથ ખેંચી ભવ્ય સવારી લોકોના ઉત્સાહ વચ્ચે યોજાશે. આ રથયાત્રા માટે અનેક ઇવેન્ટ અને રંગદર્શી ફ્લોટ્સ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. આ દરમિયાન છેલ્લે રથયાત્રાના ફ્લોટ્સ વિજેતાઓ માટે પ્રથમ એકથી ત્રણ અને ચારથી નવ ક્રમ સુધીના વિજેતાઓને પુરસ્કાર અર્પણ કરશે. જે ઇનામો માટે રથયાત્રા સમિતિ, પોલીસ પરિવાર અને મુસ્લિમ સમાજ દ્વારા યોગદાન આપવામાં આવશે. આ રથયાત્રાને શાંતિપૂર્ણ રીતે સફળ બનાવવા માટે પોલીસ સહિત સમગ્ર તંત્ર દ્વારા મુશ્કેરાટ બંદોબસ્ત સહિત કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આ રથયાત્રા દરમિયાન ડ્રોન મારફતે પાંચ મુખ્ય સ્થળોએ પુષ્પવૃષ્ટિ કરવામાં આવશે. જેમાં પ્રસ્થાન સ્થળ અંબાજી ચોક, માણેક ચોક, ગોપીનાથજી દેવ મંદિર, બોટાદ ઝાંપા અને પોલીસ લાઇન ખાતે રથ પહોંચે ત્યારે પુષ્પવૃષ્ટિ કરાશે.