Jai Hind

ઉપલેટાની કોટેજ હોસ્પિટલમાં આશાપુરા ગ્રુપ દ્વારા પોષણયુક્ત આહાર કીટનું વિતરણ

ટીબીના દર્દીઓ માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો

શહેરની કોટેજ હોસ્પિટલ ખાતે આજરોજ ટીબી (ટ્યુબરક્યુલોસિસ) એટલે કે ક્ષય રોગના દર્દીઓ માટે એક વિશેષ તબીબી તપાસ અને સહાય વિતરણ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજકોટથી ડીટીઓ મહેતા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ આયોજનનો મુખ્ય હેતુ ટીબીના દર્દીઓને સઘન સારવારની સાથે પૂરતું શારીરિક પોષણ મળી રહે તે સુનિશ્ચિત કરવાનો હતો.
ઉપલેટા કોટેજ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ઇન્ચાર્જ ડો. ખ્યાતિ ગરેજાના જણાવ્યા અનુસાર, હોસ્પિટલ દ્વારા બોલાવવામાં આવેલા ટીબીના દર્દીઓનું વિશેષ ચેકઅપ કરવામાં આવ્યું હતું. દર્દીઓને ટીબીની ભારે દવાઓથી કોઈ આડઅસર થાય છે કે નહીં, તેઓ સમયસર નિયમિત દવા લે છે કે નહીં તેનું ધ્યાન રાખવા માટે બ્લડ ટેસ્ટ અને આંખની તપાસ જેવી સઘન ચકાસણી કરવામાં આવી હતી. મોટાભાગના દર્દીઓ આર્થિક રીતે ગરીબ હોવાથી તેમને પૂરતો પોષણયુક્ત આહાર પોસાતો નથી, તેથી આ કાર્યક્રમ થકી તેમને પ્રોટીનયુક્ત આહારની કિટ (ન્યુટ્રિશનલ કિટ) આપવામાં આવી હતી જેથી તેમને રોગ સામે લડવાની તાકાત મળે. ડોક્ટરે અપીલ કરી હતી કે દર્દીના પરિવારજનોએ પણ ટેસ્ટ કરાવવો જોઈએ અને જો પ્રાથમિક લક્ષણો જણાય તો ડર્યા વિના વહેલાસર નિદાન કરાવવું જોઈએ જેથી સારવાર સરળ અને ટૂંકી બને. આ સેવાકીય કાર્યમાં સામાજિક દાતાઓનો ફાળો રહ્યો હતો. ઉપલેટા શહેર અને તાલુકા રાજપૂત સમાજના પ્રમુખ હરપાલસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આશાપુરા ગ્રુપ અને વોર્ડ નંબર 3 ના સદસ્ય ચંદ્રપાલસિંહ જાડેજા દ્વારા આ આરોગ્યવર્ધક કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમણે ટીબી સામે હિંમતભેર લડતા દર્દીઓને ’યોદ્ધાઓ’ કહીને સંબોધ્યા હતા અને ડોક્ટરની સલાહ મુજબ નિયમિત ખોરાક તથા દવા લેવાની ખાસ અપીલ કરી હતી. આ કાર્યક્રમમાં રમેશભાઈ મકડીયા, જયંતીભાઈ કાલવડીયા અને નટુભાઈ ગોધાણી જેવા સામાજિક આગેવાનોએ પણ વિશેષ હાજરી આપીને દર્દીઓનો ઉત્સાહ વધાર્યો હતો. સમાજ અને આરોગ્ય વિભાગના સહિયારા પ્રયાસોથી દર્દીઓને સંપૂર્ણપણે ટીબી મુક્ત કરવા માટે આ એક અત્યંત સરાહનીય પગલું ભરવામાં આવ્યું છે.