પોલીસે અખાધ ઘીના જથ્થાનો નાશ કર્યો
ખંભાળિયામાં 15 કિલો અખાધ ઘીના જથ્થા સાથે ઓખા મંડળની વૃદ્ધાને પોલીસે ઝડપી લઈ પોલીસે અખાધ ઘીના જથ્થાનો નાશ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ભાળિયા વિસ્તારમાં એસ.ઓ.જી. પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં અહીંના ગાયત્રીનગર વિસ્તારમાં આવેલી પોલીસ લાઈન પાસે અમરીબેન પુનાભાઈ કયણાભાઈ ધોડા (રહે. ઓખા મંડળ) નામના 70 વર્ષના વૃદ્ધ મહિલા દ્વારા ભેળસેળયુક્ત દેશી ઘી નું વેચાણ કરવામાં આવતું હોવાની માહિતી પરથી એસ.ઓજી.ની ટીમ દ્વારા તેમને વિવિધ પ્રકારના હાનિકર્તા કેમિકલ મિશ્રિત શંકાસ્પદ ભેળસેળયુક્ત ઘીના જથ્થા સાથે ઝડપી લીધા હતા. આ પ્રકરણમાં પોલીસે શંકાસ્પદ ઘી નો 15 કિલોગ્રામ જથ્થો કબજે કરી તેનો નાશ કર્યો હતો. આ ઘી ની કિંમત રૂપિયા 3,300 જાહેર થઈ છે. આ અંગે ફૂડ વિભાગને જાણ કરી, ઘી ના સેમ્પલો લઈને ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી. આ સમગ્ર કામગીરી એસ.ઓ.જી.ના પી.આઈ. વી.એ. રાણાના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ. સજુભા જાડેજા, હરદીપસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ જાડેજા અને વિજયસિંહ જાડેજાની ટીમ દ્વારા કરવામાં આવી હતી.