અમરેલી, રાજકોટ, બગસરા, હડાળા, મુંજયાસર, ખારી, વાઘણીયામાં ઝાપટુ વરસ્યું
અષાઢી બીજ બાદ સમગ્ર રાજ્યમાં ચોમાસાનો ધમાકેદાર પ્રારંભ થયો છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં અનરાધાર વરસાદ પડ્યો છે. ત્યારે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘાડંબર વચ્ચે તળાજા અને ડોળાસામાં એક-એક ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે રાજકોટ, જામનગર, જૂનાગઢ, અમરેલી, બગસરા, જેસર, સિંહોર, પાલીતાણા અને ભાવનગરમાં હળવા ઝાપટા વરસ્યા હતાં.
રાજ્યના હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે હાલમાં મોનસુન ટ્રફ ગુજરાતમાંથી પસાર થઈ રહ્યું છે. આગામી પાંચ દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છના મોટાભાગના જિલ્લામાં છુટો છવાયો વરસાદ વરસશે. કચ્છમાં છુટાછવાયા સ્થળોએ તો રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, સોમનાથ, સુરેન્દ્રનગર અને બોટાદ જિલ્લામાં કેટલાક સ્થળોએ વરસાદ વરસી શકે તેવી આગાહી કરાઈ છે.
સોમવારે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘાડંબર સર્જાયુ હતું. રાજકોટમાં ધુપછાંવ ભર્યા વાતાવરણ વચ્ચે ઝરમર છાંટા વરસ્યા હતાં. જ્યારે રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઝાપટા વરસ્યા હતાં. તો બીજી તરફ અમરેલી જિલ્લામાં અમરેલી શહેર, બગસરા, હડાળા, મુંજયાસર, ખારી, વાઘણીયા સહિતના ગામમાં જોરદાર ઝાપટુ વરસ્યુ હતું.
ભાવનગર
ભાવનગર જિલ્લાના તળાજામાં એક ઇંચ વરસાદ પડ્યો છે. ગારીયાધાર સિહોર પાલીતાણા અને ભાવનગર શહેરમાં વરસાદના હળવા ભારે ઝાપટા વરસી ગયા હતા. સોમવારે સવારના 6 થી સાંજના 6 વાગ્યા સુધીમાં સિહોરમાં 3, ગારીયાધાર માં1, પાલીતાણા માં1, તળાજામાં 24 અને જેસરમાં 8 મી.મી. વરસાદ નોંધાયો છે. ભાવનગર શહેરના પૂર્વ વિસ્તારમાં 10 મી.મી.વરસાદ નોંધાયો છે. પંદર દિવસ પહેલા મેઘરાજા એ તળાજા પંથકમાં વાવણી લાયક વરસી ને કૃપાકર્યાબાદ હવે ફરી જગતતાત ને ખાસ જરૂર છે ત્યારે અનરાધાર વરસવાના બદલે સરવડા સ્વરૂપે એ પણ બે પાંચ કિમિ વિસ્તારમાં વરસી રહ્યો છે. અષાઢે અનરાધાર વરસવાના બદલે તળાજા પંથકમા શ્રાવણીયા સરવડા સ્વરૂપે વરસાદ વરસી રહ્યો છે.જેને લઈ જગતતાત ચિંતામાં મુકાયો છે. ઉલ્લેખનીય છેકે શેત્રુંજી ડેમ ભરાઈ જતા ખેડૂતોને હૈયે ટાઢક ચોક્કસ છે.ડેમ નું પાણી દરવાજા ખોલી ને નદી મા વહાવી ને દરિયાસુધી પહોંચાડવાના બદલે બંને કેનાલો મા છોડવામા આવે તો જ્યાં પાણી ની ખેંચ વર્તાઈ રહી છે તેને કામ લાગશે.મોટાભાગના તળાવો હજુ ખાલીછે તે તળાવો ડેમના વધારાના પાણી થી ભરાઈ જશે.જેનો લાભ ખેડૂતો અને સંબધિત ગામના લોકોનો થશે.ભૂગર્ભ જળ સારા થશે.
ડોળાસા
કોડીનાર તાલુકા ના ડોળાસા અને આજુબાજુ ના ગામોમાં ગત માધ્યરાત્રી ના બાર વાગ્યા થી સાંજ ના પાંચ વાગ્યા સુધી ધીમી ધારે વરસાદ ચાલુ રહ્યો હતો. આ દરમ્યાન વધુ 26 મી.મી.( એક ઇંચ ) વરસાદ નોંધાયો છે. મોસમ નો કુલ વરસાદ 386 મી.મી.( સાડા પંદર ઇંચ ) વરસાદ થયો છે. આટલો વરસાદ થવા છતાં ડોળાસા વિસ્તાર ની નદીઓ ના ખાડા ભર્યા છે.
જૂનાગઢ
મેઘો છેલ્લા કેટલાય દિવસથી સોરઠ વાસીઓ સાથે રમત રમતો હોય તેવું વાતાવરણ સર્જાયું છે. છેલ્લા એકાદ અઠવાડિયાથી જુનાગઢ શહેર સહિત સમગ્ર પંથકમાં “કભી ધૂપ કભી છાંવ” જેવા વાતાવરણ વચ્ચે લોકો આજે તો વરસાદ આવશે જ” તેવી આશાએ બેસી રહે છે. પરંતુ વરસાદ ન થતા લોકોમાં નિરાશા છવાઈછે. ધરતી પુત્રોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.