Jai Hind

ઉનાના સોંદરડી ગામે પાંચ વર્ષના માસુમનું ચાંદીપુરા વાયરસથી મોતની શંકા

લેબોરેટરી રિપોર્ટની રાહ વચ્ચે ગામમાં ઘર-ઘર સર્વે : આરોગ્ય વિભાગ દ્વારા જાગૃતિ અભિયાન અને સાવચેતીના પગલા તેજ

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના સોંદરડી ગામે ધીરુભાઈ ગોહિલ ના પાંચ વર્ષ ના માસુમ બાળક નું શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લક્ષણો બાદ થયેલા કરૂણ મોતથી સમગ્ર જિલ્લામાં ચિંતા અને શોકનું મોજું ફરી વળ્યું છે. બે દિવસથી સતત તાવ, ઉલટી, પેટમાં અસહ્ય દુખાવો અને બાદમાં બેભાન જેવી ગંભીર સ્થિતિ સર્જાતા પરિવારજનોએ બાળકને પ્રથમ જાફરાબાદ તાલુકાના ટીબી ગામે ખાનગી તબીબ પાસે સારવાર માટે લઈ ગયા હતા. જોકે તબિયતમાં સુધારો ન થતાં તેને મહુવાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યાંથી વધુ સારવાર માટે ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો.
19 જુલાઈના રોજ સર ટી. હોસ્પિટલમાં દાખલ કરાયેલા બાળકની હાલત અત્યંત ગંભીર હોવાથી તેને વેન્ટિલેટર પર રાખીને સારવાર આપવામાં આવી હતી. તબીબોએ બાળકમાં અલ્ટર્ડ સેન્સોરિયમ (બેભાનજેવી સ્થિતિ) સહિત ચાંદીપુરા વાયરસનેમળતાલક્ષણોજોતા લોહી સહિતના જરૂરી નમૂનાઓ લેબોરેટરી તપાસ માટે મોકલ્યા હતા. પરંતુ અંતિમ રિપોર્ટ આવે તે પહેલાં જ રવિવારે મોડી રાત્રે બાળકનું સારવાર દરમિયાન દુ:ખદ અવસાન થયું હતું.
મૃત્યુના સમાચાર ગામમાં પહોંચતા સમગ્ર સોંદરડી ગામ શોકમાં ગરકાવ થઈ ગયું હતું. મોટી સંખ્યામાં ગ્રામજનો પરિવારના ઘરે પહોંચી શોક વ્યક્ત કરી સાંત્વના પાઠવી હતી. એક નિર્દોષ બાળકના મોતથી સમગ્ર ગામમાં ભય અને ચિંતાનું વાતાવરણ સર્જાયું છે.
આ ઘટનાને ગંભીરતાથી લઈ ગીર સોમનાથ જિલ્લા આરોગ્ય વિભાગ અને ઉના તાલુકા આરોગ્ય વિભાગ તાત્કાલિક એલર્ટ મોડમાં આવી ગયા છે. આશરે 150 જેટલા મકાનો ધરાવતા સોંદરડી ગામમાં ઘરે ઘરે તેમજ શાળા અને આંગણવાડી કેન્દ્રો ખાતે આરોગ્ય વિભાગ ની આઠ ટીમોને તૈનાત કરવામાં આવી છે. ટીમો દ્વારા બાળકો અને ગ્રામજનોના આરોગ્યની તપાસ, તાવના કેસોની નોંધણી, જાગૃતિ અભિયાન તેમજ સેન્ડ ફ્લાય ના સંભવિત પ્રજનન સ્થળોની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
ઉના તાલુકા બ્લોક હેલ્થ ઓફિસર ડો. વિપુલ દુમાતરએ જણાવ્યું હતું કે મૃતક બાળકના 15 માસના પિતરાઈ ભાઈનું પણ આરોગ્ય પરીક્ષણ કરવામાંઆવ્યું હતું અને તે હાલ સંપૂર્ણ સ્વસ્થ છે. તેમણે જણાવ્યું કે ચાંદીપુરા વાયરસ મગજ પર ઝડપથી અસર કરતો હોવાથી સમયસર સારવાર જ જીવન બચાવવાનો સૌથી અસરકારક ઉપાય છે. સામાન્ય રીતે સેન્ડ ફ્લાય (રેતી માખી)ના ડંખથી આ વાયરસ ફેલાતો હોવાનું માનવામાં આવે છે. કાચા મકાનો, ભેજવાળા વિસ્તારો અને ઢોરના વાડા નજીક આવી માખી વધુ જોવા મળતી હોવાથી આવા વિસ્તારોમાં ખાસ સાવચેતી રાખવાની જરૂર છે.
આરોગ્ય વિભાગે વાલીઓને અપીલ કરી છે કે બાળકોમાં તાવ, ઉલટી, આંચકી, બેભાન થવું, સતત ઊંઘ આવવી અથવા અન્ય ગંભીર લક્ષણો દેખાય તો ઘરગથ્થુ સારવાર કે વિલંબ કર્યા વગર તાત્કાલિકનજીક ની સરકારી હોસ્પિટલ અથવા નિષ્ણાત તબીબનો સંપર્ક કરવો જરુરી છે
મૃતક બાળકના લોહીના નમૂનાઓ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે અને અંતિમ રિપોર્ટ હજુ બાકી છે. તેથી આરોગ્ય વિભાગ દ્વારા આ કેસને હાલમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો કેસ તરીકે જ ગણવામાં આવી રહ્યો છે.
બાળક બિમાર પડતા પ્રથમ ટીંબીના તબીબ પાસે લઈ ગયા હતા : મૃતકના પિતા
મૃતક બાળક ના પિતા એ મિડીયા ને જણાવ્યું હતું કે 16 જુલાઈ ના બાળક બિમાર પડતા નજીક ના ટીંબી ગામે આવેલા એક બી એચ એમ એસ તબીબ ને ત્યાં લઈ ગયાં હતાં ત્યાં સારૂં નહીં થતાં ફરી ગયા હતાં તેમ છતાં તબિયત વધું ખરાબ થતા મહુવા સારવાર અર્થે લઈ જતાં ત્યાં થી ભાવનગર ખસેડાયો હતો ત્યાં સારવાર દરમિયાન તબીબ એ ચાદપુરા વાયરસ ની શંકાસ્પદ વાત કરી રીપોર્ટ ગાંધીનગર મોકલાયા હતા એ દરમિયાન બાળક નું મોત થયું હતું
અમને જાણકારી મળતાં જ વ્હેલી સવારથી 8 ટીમો સર્વે કરવા ઉતારી દીધી છે:: ડો.વિપુલ દુમાતર
રાત્રિના જિલ્લા આરોગ્ય કચેરી ખાતે થી મેસેજ આવતાં ની સાથે બાળક ના પરીવાર નો સંપર્ક કરી વ્હેલી સવારે જિલ્લા અને તાલુકા આરોગ્ય વિભાગ ની 8 ટીમો સર્વે કરવા ઉતારી દીધી છે અને ઘરે ઘરે જઈને બિમારી બાબતે તેમજ આસપાસના વિસ્તારમાં સેન્ડ ફ્લાયર માખી ઉત્પાદન જેવી સેનસટીવ જગ્યા એ દવા છંટકાવ કરી લોકો ને જાગૃત કર્યા હતા શાળા બાલવાડી કેન્દ્ર ચેક કરી ત્યાં અભ્યાસ અર્થે આવતા વિધાર્થી અને શિક્ષકો ગ્રામજનો ને માર્ગદર્શન આપી આ વાયરસ ની ગંભીરતા સમજાવી હતી ખાસ કરીને ખેંચ આવતાં બાળક અને જન્મ દિવસ થી 15 વર્ષ ના બાળકો ને તાવ, ઊલ્ટી ખેંચ પેટમાં દુખતું હોય તો નિષ્ણાત તબીબ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નો સંર્પક કરવા માહિતગાર કર્યા હતા.