Jai Hind

ગિરનાર પર દુધધારા અભિષેક અને નિર્વાણ લાડુ કાર્યક્રમને લઈને ફરી વિવાદ સર્જાયો

સનાતન ધર્મની દુધધારા માટે 30 પગથિયા સુધીની પણ મંજૂરી ન મળી અને જૈન સમાજની 3 મહિલાઓએ લાડુ ધર્યાનાં આક્ષેપ

જૂનાગઢના ગિરનાર પર્વત પર નિર્વાણ લાડુ મુદે વિવાદ અટવાનું નામ નથી લેતો, કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર એવા ગિરનાર પર બિરાજતા ભગવાન ગુરુ દત્તાત્રેયની ચરણ પાદુકાને લઈને સનાતન ધર્મના લોકો, અને જૈન સમાજ વચ્ચે ઘણા વર્ષોથી વિવાદ ચાલી રહ્યો છે ત્યારે તંત્ર દ્વારા આ બાબતે કોઈ વિવાદના છેડાઈ કે કોઈ અનિચ્છનીય ઘટના ના ઘટે તે માટે ભવનાથ ક્ષેત્રથી લઈને ગિરનારની પાંચમી ટૂંકા સુધી 450 થી વધુ પોલીસ અધિકારીઓ અને પોલીસે કર્મી ઓને છેલ્લા ત્રણ દિવસથી તેનાત કરી દેવામાં આવ્યા હતા, તે સાથે ત્રણ જેટલા જાહેરનામાં પણ પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યા હતા. છતાં પણ આજે ફરી નિર્વાણ લાડુ પ્રશ્ન અને હિન્દુ ધર્મના લોકો અને સંતો મહંતોને દૂધધારા કાર્યક્રમ કરવા દેવામાં ન આવતા વિવાદ ઉભો થવા પામ્યો છે.
જૈન સમાજ દ્વારા નિર્વાણ લાડુ સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને હજારોની સંખ્યામાં દિલ્હી મહારાષ્ટ્ર એમપી રાજસ્થાન સહિતના ભારતભરમાંથી જૈન સંપ્રદાયના લોકો ગઈકાલે થી જુનાગઢ ખાતે પહોંચ્યા હતા, બીજી બાજુ વરસાદ ખેંચાતા ભગવાનને રીઝવવા રૈવત સમિતિ દ્વારા ભવનાથ મંદિરથી લઈને ગિરનારની પાંચમી ટૂંકે દત્તાત્રેય મંદિર થી જૂની સીડી દ્વારા ભવનાથ સુધીના દુધધારા અભિષેક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ બન્ને કાર્યક્રમના લીધે મોટી સંખ્યામાં લોકો ભવનાથ અને ગિરનાર ક્ષેત્રમાં આવવાની સંભાવના ને લઈને વહીવટી તંત્ર, પોલીસ તંત્ર એકશન મોડમાં આવી ગયું હતું. તથા જુનાગઢ એસડીએમ દ્વારા જાહેરનામાં પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતાં.
દરમિયાન સંતોના જણાવ્યા મુજબ, આજે રેવતક સમિતિ દ્વારા સંતો – ભાવિકોની ઉપસ્થિતિમાં ભગવાન દત્તાત્રેયનાં ચરણ પાદુકાને દુધાભિષેક કરવા માટેની દુધ યાત્રા નીકળી હતી. પરંતુ તેમને ગીરનારની સીડી પાસેનાં ચેકીંગ પોઈન્ટ પાસે અટકાવી દેવામાં આવતા સંતોએ રજુઆત કરી હતી કે, અમોને 30 પગથીયે જવા દો અને પૂજન વિધિ કરવા દો. પરંતુ મંજુરી ન મળતા ત્યાંથી જ દુધ ધારા યાત્રા પરત ફરી હતી અને સંતો, મહંતો તથા ભાવિકોમાં ભારે રોષ પ્રગટયો હતો. આ અંગે ભગવતીદાસ બાપુએ જણાવ્યું હતું કે, ગિરનાર શ્રેત્રમાં પાંચમી ટૂંકે ભગવાન દત્તાત્રેયની ચરણ પાદુકા છે. અને અહીં ચરણ પાદુકાની પૂજા વિધિ કરવામાં આવે છે. આ ઉપરાંત નાસિક, હરિહાર વગેરે સ્થળ ઉપર પણ આજે ચરણ પાદુકાની પૂજા વિધિ થાય છે, આ પરંપરા મુજબ, દૂધધારા કરવાની હતી પરંતુ તંત્ર દ્વારા મંજૂરી આપવામાં આવી ન હતી, ત્યારે અમે 30 પગથિયા સુધી દુધધારા અભિષેકની મંજૂરીની માંગ કરી હતી. તેમાં પણ તંત્રે મંજૂરી ના આપી દુધધારા અભિષેકની વિધિ અટકાવી હતી, આ સાથે ભગવતીદાસ બાપુએ એવો આક્ષેપ કર્યો હતો કે, જૈન સંપ્રદાયની 3 મહિલાઓ દ્વારા 30 પગથિયે લાડુ, ચોખા, ફૂલ ધરવામાં આવ્યાં છે. જેની મંજૂરી પણ લેવામાં આવી નથી. ત્યારે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી.
બીજી બાજુ આજરોજ ગિરનાર પર્વત પર દિગંબર જૈન સંપ્રદાયના 22મા તીર્થંકર ભગવાન નેમિનાથના નિર્વાણ દિવસ નિમિત્તે સરકારી માર્ગદર્શિકાનું પાલન કરીને શાંતિપૂર્ણ રીતે લાડુ ચડાવવાની પરંપરા પૂર્ણ કરવામાં આવી હતી. આ ધાર્મિક વિધિ ભવનાથ શ્રેત્રમાં સ્થિત બંડીલાલજી જૈન દેરાસરમાં સંપન્ન થઈ હતી. આ કાર્યક્રમને સુચારુરૂપે પાર પાડવા બદલ જૈન અગ્રણીઓ એ વહીવટી તંત્ર અને પોલીસ વિભાગની સંયમપૂર્વકની કામગીરીનો આભાર માન્યો હતો.
12 કલાકમાં 10 હજારથી ભાવિકો ગિરનાર પહોંચ્યા
તાજેતરમાં ગિરનારના પગથિયા પર સિંહે એક 11 બાળકને પરિવારની નજર સામે ઉપાડી જઈ, ફાડી ખાધા બાદ, જુનાગઢ એસડીએમ દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરી, ગિરનાર પર્વત જતા યાત્રાળુઓનું ઓનલાઈન ઈન અને આઉટ રજીસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવ્યું છે ત્યારે છે. ગત રાત્રીના 12 વાગ્યાથી લઈને આજ બપોરના 12 વાગ્યા સુધીમાં 10102 લોકોનું રજીસ્ટ્રેશન થયું હોવાનું તંત્ર દ્વારા જાણવા મળી રહ્યું છે.