Jai Hind

સૌરાષ્ટ્રમાં અષાઢે શ્રાવણી સરવડા ઘોઘામાં એક ઇંચ વરસાદ વરસ્યો

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું યલો એલર્ટ
રાજકોટમાં ઝાપટા વરસતા રાજમાર્ગો પાણી-પાણી થયા

રાજયમાં દક્ષિણ અને મઘ્ય ગુજરાતમાં અનરાધાર વરસાદ વરસી રહયો છે. રાજયના 148 તાલુકામાં મેઘમહેર થઇ હતી. જયારે રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ-કચ્છમાં મંગળવારે શ્રાવણી સરવડા વરસ્યા હતા. ઉતર અને મઘ્ય ગુજરાતમાં ભારે વરસાદનું યેલો એલર્ટ અપાયું છે. તો તા. ર4 થી ર7 જુલાઇ રાજયમાં સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.
અષાઢ માસના પ્રારંભથી જ મઘ્ય અને દક્ષિાણ ગુજરાતમાં મેઘમહેર યથાવત છે. મંગળવારે સવારથી સાંજ સુધીમાં રાજયના 148 તાલુકામાં મેઘમહેર થઇ હતી. સૌથી વધારે વરસાદ નવસારીના વાસંદામાં 4.88 ઇંચ, ચીખલીમાં 4.0ર ઇંચ, વલસાડના કપરડામાં 3.86 ઇંચ, ડાંગના વધઇમાં 3.66 ઇંચ વરસાદ વરસ્યો હતો. જયારે બારડોલીમાં 3.પ8,ગણદેવીમાં 3.46, નવસારીમાં 3.31, પલસાણામાં 3.ર7 ઇંચ વરસાદ વરસ્યો હતો.
તો બીજી તરફ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ-કચ્છમાં મેઘાડંબર વચ્ચે ઝરમર ઝાંપા વરસ્યા હતા. અષાઢ માસમાં પણ વાવણીલાયક વરસાદ નહી વરસતા ખેડુતોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. રાજકોટ, ગોંડલ, પડધરી, ચોટીલા, કાલાવડ, જુનાગઢ, જામનગર, સોમનાથ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા. અને માત્ર ઝરમર ઝાપટા વરસ્યા હતા.
ભાવનગર
ભાવનગર શહેર અને સમગ્ર ગોહિલવાડ પંથકમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે દિવસ દરમિયાન વરસાદી માહોલ છવાયેલો રહ્યો હતો. જિલ્લાના વિવિધ તાલુકાઓમાં અડધાથી લઇને એક ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે. સાંજના 6 વાગ્યા સુધીમાં સૌથી વધુ ઘોઘા પંથકમાં 27 મી.મી. (1 ઇંચ) વરસાદ પડી ગયો હતો, જ્યારે સિહોર પંથકમાં 15 મી.મી. અને તળાજામાં 12 મી.મી. (અડધો-અડધો ઇંચ) વરસાદ નોંધાયો હતો. આ સિવાય ભાવનગર શહેરમાં 9 મી.મી., પાલિતાણા પંથકમાં 9 મી.મી., મહુવામાં 7 મી.મી., ગારિયાધારમાં 3 મી.મી. અને જેસરમાં 1 મી.મી. વરસાદ નોંધાયો હતો. અન્ય તાલુકાઓમાં પણ સમયાંતરે હળવા ઝાપટાં વરસ્યા હતા. મોડી સાંજે પણ સમગ્ર જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝાપટાં અને ઝરમરિયો વરસાદ વરસી રહ્યો છે.
રાજયના હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજથી આગામી પાંચ દિવસ માટે દક્ષિણ ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે તા.ર4 થી ર7 જુલાઇ દરમિયાન મઘ્ય ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસશે. અનેક જિલ્લામાં અનરાધાર વરસાદના કારણે પુર આવશે.
પંચમહાલ જિલ્લાના ગોધરા, મહિસાગરના લુણાવાડા અને દાહોદ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી બનાસકાંઠામાં સારા વરસાદની આગાહી કરાઇ છે. જયારે કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, બોટાદ, જુનાગઢ, ગીર સોમનાથમાં હળવાથી ભારે વરસાદનું અનુમાન છે.
જાફરાબાદ લાઈટ હાઉસ બંદર
પર 3 નંબરનું સિગ્નલ લાગ્યું
હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદી વાતાવરણ વચ્ચે ત્રણ નંબરનું સિગ્નલ લાગ્યું છે. વરસાદી વાતાવરણને કારણે દરિયો તોફાની બનવાની શક્યતાને પગલે સિગ્નલ લગાવવામાં આવ્યું છે. સક્રિય ચોમાસાને કારણે પવન અને ભારે વરસાદને કારણે દરિયો તોફાની બની શકે છે. માછીમારોને દરિયો નહી ખેડવાની સુચના તંત્ર દ્વારા અપાઇ છે.