પોલીસ માત્ર ગુનેગારોને પકડવાનું કામ જ કરતી નથી, પરંતુ લોકોની ખોવાયેલી કિંમતી મિલકત સુરક્ષિત રીતે પરત અપાવી વિશ્વાસ પણ જીતે છે. વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા “તેરા તુજકો અર્પણ” અભિયાન હેઠળ CEIR પોર્ટલનો અસરકારક ઉપયોગ કરીને કુલ 21 ખોવાયેલા મોબાઈલ ફોન શોધી કાઢી તેમના અસલી માલિકોને પરત સોંપવામાં આવ્યા છે. આ તમામ મોબાઈલની અંદાજિત કિંમત રૂ. 5,11,400 જેટલી થાય છે.
મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલના માર્ગદર્શન અને નાયબ પોલીસ અધિક્ષક એસ.એમ. સરડાના સુપરવિઝન હેઠળ વાંકાનેર તાલુકા પોલીસની ટીમે ટેકનોલોજી આધારિત તપાસને પ્રાથમિકતા આપી હતી. CEIR (Central Equipment Identity Register) પોટર્લ પર નોંધાયેલા ખોવાયેલા મોબાઈલનું સતત ટેકનિકલ મોનિટરિંગ કરી વિવિધ સ્થળોએથી મોબાઈલ શોધી કાઢવામાં આવ્યા અને કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરીને માલિકોને પરત આપવામાં આવ્યા. આ સમગ્ર કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર બી.વી. પટેલ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.વી. ખાંભલા, એ.એસ.આઈ. રામભાઈ મંઢ, પી.એસ.આઈ. હસમુખભાઈ પોપટેરા, પી.એસ.આઈ. શક્તિસિંહ પરમાર, પી.સી. કિશનલાલ ખીમાણિયા તેમજ સર્વેલન્સ સ્ટાફે નોંધપાત્ર મહેનત કરી હતી.