Jai Hind

ઉનાના દેલવાડા ગ્રામ પંચાયતના સ્વભંડોળમાં થયેલ આર્થિક ગેરરીતિ મામલે કાર્યવાહી

ભાજપના દંપતી નેતાઓ સામે ડીડીઓની તવાઈ: મહિલા સરપંચ સસ્પેન્ડ, રૂ.12 લાખ વસૂલવાનો હુકમ: પૂર્વ પ્રદેશ યુવા સંગઠન મંત્રી વિજયભાઇ સામે રૂ.3.96 લાખની વસૂલાત; જિલ્લા પંચાયતની બાળ વિકાસ સંકલન સમિતિના પૂર્વ ચેરમેન પુજાબેનને સરપંચ પદેથી દૂર કરાયા

ઉના તાલુકાના દેલવાડા ગામમાં ગ્રામ પંચાયતના સ્વભંડોળમાં થયેલી આર્થિક ગેરરીતિ અને નુકસાનના મામલે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ભાજપ સાથે સંકળાયેલા દંપતી નેતાઓ સામે થયેલી આ કાર્યવાહીથી સમગ્ર પંથકના રાજકીય વર્તુળોમાં ભારે ચકચાર મચી છે.
દેલવાડા ગ્રામ પંચાયતના મહિલા સરપંચ પુજાબેન વિજયભાઇ બાંભણીયાને સરપંચ પદેથી દૂર કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. જ્યારે તેમના પતિ અને તત્કાલીન સરપંચ વિજયભાઇ લાખાભાઇ બાંભણીયા દ્વારા ગ્રામ પંચાયતને થયેલા આર્થિક નુકસાનની રકમ પણ વસૂલવા આદેશ કરવામાં આવ્યો છે.
વિજયભાઇ લાખાભાઇ બાંભણીયા ભાજપના પૂર્વ પ્રદેશ યુવા સંગઠન મંત્રી રહી ચૂક્યા છે. જ્યારે પુજાબેન વિજયભાઇ બાંભણીયા જિલ્લા પંચાયતની બાળ વિકાસ સંકલન સમિતિના ચેરમેન તરીકે પણ જવાબદારી નિભાવી ચૂક્યા હોવાનું સામે આવ્યું છે. આમ, ભાજપના સંગઠન અને પંચાયત સ્તરે મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા દંપતી સામે ગ્રામ પંચાયત ના આર્થિક નુકસાન મામલે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર (ઈંઅજ) દ્વારા ગુજરાત પંચાયત અધિનિયમ-1993ની કલમ 57(1) હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરી આ હુકમ કરવામાં આવ્યો છે. હુકમમાં જણાવ્યા મુજબ,દેલવાડા ગ્રામ પંચાયતના સ્વભંડોળમાં ગેરરીતિથી થયેલુંઆર્થિક નુકસાન, સત્તાનો દુરુપયોગ તથા વારંવારની કસુર જેવી બાબતોને ધ્યાને લઈ વર્તમાન સરપંચ પુજાબેન વિજય ભાઇ બાંભણીયાને સરપંચ પદેથી દૂર કરવામાં આવ્યા છે.
ગુજરાત પંચાયત અધિનિયમની કલમ 267(1)(2)ની જોગવાઇ મુજબ પંચાયતના આર્થિક નુકસાન, બગાડ અનેગેરઉપયોગબદલપુજાબેન વિજયભાઇ બાંભણીયા ને રૂ.8,05,333ની રકમ દેલવાડા ગ્રામ પંચાયતના સ્વભંડોળમાં જમા કરાવવાનો આદેશ કરવામાં આવ્યો છે બીજી તરફ, તત્કાલીન સરપંચ વિજયભાઇ લાખા ભાઇ બાંભણીયા દ્વારા ગ્રામ પંચાયતને પહોંચાડવામાં આવેલા આર્થિક નુકસાન બદલ રૂ.3,96,000ની રકમ પણ ગ્રામ પંચાયતના સ્વભંડોળમાં જમા કરાવવાનો હુકમ કરાયો છે.આમ, બંને પાસેથી કુલ રૂ.12,01,333 ની મોટી રકમ ગ્રામ પંચાયતના સ્વભંડોળમાં જમા કરાવવાનો આદેશ કરવામાં આવ્યો છે.

આ રકમ 30 સપ્ટેમ્બર 2026 સુધીમાં જમા કરાવવાની રહેશે
મુદતમાં રકમ નહીં ભરાય તો વધુ કાર્યવાહીઉઉઘ ના હુકમ મા જણાવ્યું છે આ નકલ તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પંચાયત ઉના, દેલવાડા ગ્રામપંચાયત ના સરપંચ તથા તત્કાલીન સરપંચ, તલાટી-કમ-મંત્રી અને મામલતદાર ઉનાને જાણ તથા અમલમાટેમોકલવા માં આવી છે.હુકમમાં સ્પષ્ટ જણાવાયું છે કે, નિર્ધારિત મુદતમાં ગ્રામ પંચાયતને થયેલી આર્થિક નુકસાનીની રકમ જમા કરવામાં કસુર થશે તો સંબંધિત કાયદાકીય જોગવાઇઓ હેઠળ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
ભાજપ પાર્ટીમાં આ દંપતીનો દબદબો હતો
ભાજપના સંગઠનમાં મહત્વની જવાબદારી નિભાવી ચૂકેલા પૂર્વ પ્રદેશ યુવા સંગઠન મંત્રી અને જિલ્લા પંચાયતની બાળ વિકાસ સંકલન સમિતિના ચેરમેન રહી ચૂકેલા દંપતી નો ભાજપ પ્રદેશ સંગઠન સુધી દબદબો હતો આ દંપતી સામે પંચાયતના આર્થિક નુકસાન મામલે થયેલી આ કાર્યવાહીથી દેલવાડા સહિત સમગ્ર ઉના પંથકના રાજકીય અને વહીવટી વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.