માછીમારોને દરિયો ન ખેડવા અપાઈ સુચના
વેરાવળ બંદર પર ભયસૂચક 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવેલ છે. હવામાન વિભાગ દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી માછીમારી બોટ બંદરે લાવી બાંધવા અપીલ કરેલ છે.
હવામાન વિભાગની અરબી સમુદ્રમાં તેજ પવન અને તોફાની દરિયામાં આગાહીને પગલે વેરાવળ બંદર પર ત્રણ નંબરનું ભયસૂચક સિગ્નલ ફરકાવવામાં આવ્યો છે. બંદર સત્તામંડળ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા માછીમારો માટે હાઈ એલર્ટ જાહેર કરાયું છે. બંદર તંત્રએ માછીમારોને આગામી સૂચના ન મળે ત્યાં સુધી દરિયો ન ખેડવા સ્પષ્ટ સૂચના આપી છે. સમુદ્રમાં રહેલા માછીમારી બોટો ને તાત્કાલિક બંદરે પરત લાવવા અને બંદરે ઊભેલી બોટોને મજબૂત રીતે બાંધી રાખવા અપીલ કરાઈ છે. તંત્રએ હવામાન સામાન્ય ન થાય ત્યાં સુધી કોઈ જોખમ ન લેવા જણાવ્યું છે. હવામાન વિભાગનું અનુમાન મુજબ, આગામી કલાકમાં દરિયામાં તેજ પવન સાથે ઊંચા મોજા ઉછળી શકે છે. આનાથી નાની અને મધ્યમ કદની બોટોને વધુ જોખમ ઉભું થઈ શકે છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બંદર પર સતત દેખરેખ રખાઈ રહી છે અને જરૂરી ઈમરજન્સી વ્યવસ્થા ઓ સજ્જ કરાઇ છે. બંદર સત્તામંડળે માછીમારોને અધિકૃત હવામાન બુલેટિન અને તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી છે. માછીમારો અને બોટ માલિકોને દરિયાકાંઠે બિનજરૂરી અવરજવર ટાળી સુરક્ષિત સ્થળે રહેવા સૂચના અપાઈ છે. કોઈપણ આકસ્મિક પરિસ્થિતિમાં સ્થાનિક વહીવટી તંત્ર અથવા બંદર કંટ્રોલ રૂમ નો સંપર્ક કરવા જણાવાયું છે.
ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ બંદર રાજ્યના મહત્વના મત્સ્ય બંદરોમાં નું એક છે. ચોમાસા દરમિયાન હવામાનની ગંભીર સ્થિતિમાં ભયસૂચક સિગ્નલ લગાવી માછીમારોને સમયસર ચેતવણી અપાઈ છે. હાલ પણ સાવચેતીના ભાગરૂપે 3 નંબરનું સિગ્નલ લગાવી દરિયાઈ પ્રવૃત્તિઓ પર નજર રખાઈ રહી છે. પ્રશાસને માછીમાર સમાજ ને અફવાઓથી દૂર રહી માત્ર અધિકૃત માહિતી પર વિશ્વાસ રાખવા અને તંત્રની સૂચનાઓનું સંપૂર્ણ પાલન કરવા અનુરોધ કર્યો છે.