યાત્રિકોની સુરક્ષાાને પ્રાથમીકતા આપતુ નગરપાલીકા: યાત્રીકો ભય વિના સ્નાન કરી શકશે
ભારતના પશ્ચિમ કિનારે આવેલું વિશ્વવિખ્યાત તીર્થધામ દ્વારકા દરરોજ હજારો શ્રદ્ધાળુઓના આગમનથી ધમધમતું રહે છે. ભગવાન દ્વારકાધીશના દર્શન પહેલાં પવિત્ર ગોમતી નદીમાં સ્નાન કરવાની પરંપરાનું પાલન કરવા મોટી સંખ્યામાં યાત્રિકો ગોમતી ઘાટ પર પહોંચે છે. ગોમતી નદી અરબી સમુદ્ર સાથે સીધી જોડાયેલી હોવાથી ભરતી-ઓટ, દરિયાઈ પ્રવાહ અને મોજાની અસર નદીમાં પણ જોવા મળે છે. બહારગામથી આવતા અનેક યાત્રિકો આ પરિસ્થિતિથી અજાણ હોવાના કારણે અગાઉ અનેક વખત અકસ્માતો તેમજ ડૂબી જવાના બનાવો બન્યા છે.
યાત્રિકોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા દ્વારકા નગરપાલિકાએ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના વર્ષ 2025-26 હેઠળ જૂના ગોમતી ઘાટ વિસ્તારમાં આશરે રૂ. 77 લાખના ખર્ચે સ્ટેનલેસ સ્ટીલ સેફ્ટી રેલિંગ સ્થાપિત કરવાની કામગીરી શરૂ કરી છે. આ રેલિંગ ગોમતી ઘાટના સંવેદનશીલ વિસ્તારમાં ઉભું કરવામાં આવી રહ્યું છે, જેથી યાત્રિકો સુરક્ષિત રીતે સ્નાન કરી શકે અને અકસ્માતોની શક્યતા ઘટે.
હાલ દરિયાઈ મોજા 10થી 15 ફૂટ સુધી ઉછળતા હોવાથી કામગીરી સરળ નથી. દરિયાના તોફાની માહોલ વચ્ચે પાણીમાં પાઇલ ફાઉન્ડેશન તૈયાર કરી મજબૂત રીતે રેલિંગ સ્થાપિત કરવાની કામગીરી અત્યંત પડકારજનક બની છે. છતાં તકનિકી ધોરણોનું પાલન કરીને કામ ઝડપથી આગળ ધપાવવામાં આવી રહ્યું છે.
દ્વારકાના દરિયાકાંઠાના ખારાશભર્યા વાતાવરણને ધ્યાનમાં રાખીને રેલિંગ માટે સ્ટેનલેસ સ્ટીલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેથી લાંબા સમય સુધી કાટ ન લાગે અને તેની મજબૂતાઈ જળવાઈ રહે. યાત્રિકોની સતત વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને હવે વધુ વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થા ઉભી કરવામાં આવી રહી છે. દ્વારકા નગરપાલિકા દ્વારા ગોમતી નદીમાં અગાઉથી સેફ્ટી રેસ્ક્યુ બોટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી કોઈપણ આપત્તિની સ્થિતિમાં તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી શકાય. નવી સેફ્ટી રેલિંગ તૈયાર થયા બાદ યાત્રિકોને તેની અંદર રહીને જ પવિત્ર સ્નાન કરવા અપીલ કરવામાં આવશે. આ પહેલથી ગોમતી ઘાટ પર સુરક્ષા વધુ મજબૂત બનશે અને ડૂબી જવાના બનાવોમાં નોંધપાત્ર ઘટાડો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.