દિલ્હીના વિદ્યાર્થીઓના આંદોલનને ન્યાય આપવા શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ
દિલ્હીના વિદ્યાર્થીઓના આંદોલનને ન્યાય આપવા તથા વડાપ્રધાન અને શિક્ષણમંત્રીના રાજીનામાની માંગ સાથે કોંગ્રેસની રેલી; પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું
ઉના: દિલ્હી ખાતે વિદ્યાર્થીઓના આંદોલન અને કોંગ્રેસ ના રાષ્ટ્રીય નેતાઓ સાથે થયેલા કથિત વ્યવહારના વિરોધમાં ઉના-ગીરગઢડા કોંગ્રેસ સમિતિ દ્વારા ઉનામાં ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજાયું હતું. કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ સર્કિટ હાઉસથી બેનરો સાથે પગપાળા રેલી કાઢી હતી. રેલી ત્રિકોણબાગ ખાતે પહોંચતા કાર્યકરોએ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી રસ્તા રોકો આંદોલન કર્યું હતું, જેના પગલે થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.
રેલી દરમિયાન કોંગ્રેસ કાર્યકરોએ દિલ્હી ખાતે વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલા આંદોલનને ન્યાય આપવાની માંગ સાથે કેન્દ્ર સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. કોંગ્રેસ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની પણ માંગ કરવામાં આવી હતી.
કોંગ્રેસ આગેવાનોના જણાવ્યા મુજબ, સંસદ તરફ કૂચ કરી રહેલા વિદ્યાર્થીઓ સામે દિલ્હી પોલીસે કરેલી કથિત કાર્યવાહી અંગે પીડિતોને રાહત આપવામાં આવે અને તેમની સામે લગાવવામાં આવેલી કથિત ખોટી કલમો દૂર કરવામાં આવે. આ ઉપરાંત રાહુલ ગાંધી સહિત વિપક્ષના અન્ય નેતાઓ દ્વારા વડાપ્રધાનના નિવાસસ્થાન નજીક કરવામાં આવેલા ધરણાં દરમિયાન તેમની સાથે થયેલા વ્યવહાર સામે પણ કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો હતો.
રેલી અને વિરોધ પ્રદર્શન બાદ કોંગ્રેસના આગેવાનો પ્રાંત અધિકારીની કચેરીએ પહોંચ્યા હતા અને સમગ્ર મામલે આવેદનપત્ર પાઠવી વિદ્યાર્થીઓને ન્યાય અપાવવા તથા પોતાની વિવિધ માંગણીઓ અંગે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
આ વિરોધ પ્રદર્શનમાં ઉનાના પૂર્વ ધારાસભ્ય, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત કોંગ્રેસના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા.