સ્નેક કેચરે બિનઝેરી સાપ ધામણનું રેસ્કયુ કરી જંગલમાં મુકત કર્યો
તાલાલા તાલુકાનાં ચિત્રાવડ ગીર-હરીપુર ગીર ગામ વચ્ચે આવેલ ફાર્મ હાઉસમાં કામ કરતા શ્રમજીવીને બિનઝેરી સાપે દંશ મારતાં સારવાર માટે તાલાલા ખાનગી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.
આ બનાવ અંગે પ્રાપ્ત થયેલ વિગત પ્રમાણે તાલાલા તાલુકાનાં ચિત્રાવડ ગીર થી હરીપુર ગીર ગામની વચ્ચે જંગલમાં આવેલ ગીર દર્શન ફાર્મ હાઉસમાં કામ કરતા સંજયભાઈ ભીખાભાઈ બોરસણીયા ઉ.વ.45 રે.ચિત્રોડ ગીર વાળા સવારે 11 વાગ્યા આસપાસ ફ્રિજ માંથી વસ્તુ લેવાં ગયા ત્યારે ફ્રિજ ની નીચે છુપાયેલા બિનઝેરી ધામણ સાપે ડાબા પગનાં અંગુઠામાં દંશ માર્યો હતો.ફાર્મ હાઉસ નાં સંચાલકોએ સંજયભાઈ ને તાત્કાલિક સારવાર માટે તાલાલા ની ક્રિષ્ના હોસ્પિટલમાં લાવ્યા હતા.ફાર્મ હાઉસમાંથી સાપનું સ્નેક કેચર ઉમરભાઈ સોઢા એ રેસ્કયુ કરી બરણીમાં પુરી સાપને હોસ્પિટલે લઇ આવ્યા હતા ત્યારબાદ સાપ ને જંગલમાં છોડી મુકવામાં આવ્યો હતો.શ્રમજીવીની સ્થિતિ સુધારા ઉપર હોવાનું હોસ્પિટલના તબીબે જણાવ્યું હતું.