Jai Hind

તાલાલા (ગીર) પાસે બાઈક ઝાડ સાથે અથડાતા ચાલકનું ઘટના સ્થળે મોત

વતનના લોકોને મળી પરત ભીમદેવળ ગામે જતા બાઈક ચાલકે વળાંકમાં સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત

તાલાલા થી પ્રાંચી જતાં માર્ગ ઉપર માધુપુર ગીર-ભીમદેવળ ગીર વચ્ચે આવેલ રાતિધાર ગામના પાટિયા આગળ નાં વળાંકમાં ઝાડ સાથે બાઈક અથડાતા ચાલકનું ઘટના સ્થળે કમકમાટીભર્યુ મૃત્યુ થયું હતું.
આ બનાવ અંગે પ્રાપ્ત થયેલ વિગત પ્રમાણે તાલાલા તાલુકાનાં ભીમદેવળ ગીર ગામે એક પરિવારની વાડીએ રહી ખેતિકામ અને ગોળ નાં રાબડા નું કામ કરી ગુજરાન ચલાવતા મહારાષ્ટ્રના સંજય રામદાસ સોનવણે ઉ.વ.45 રે.દાભાડી તા.માલેગાંવ(જી.નાસિક) માધુપુર ગીર ગામે રહેતા તેમના વતનના લોકોને મળવા પોતાની બાઈક લઈને ગયા હતા.સાંજે સાડા સાત વાગ્યા આસપાસ ભીમદેવળ ગીર પરત આવતા હતા ત્યારે રાતિધાર ગીર ગામના પાટીયા આગળ જલસા હોટલ પાસેના વળાંકમાં મોટરસાયકલ નાં સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા બાઈક સ્લીપ થઈ ધડાકાભેર ઝાડ સાથે અથડાઈ હતી જેમાં પરપ્રાંતિય શ્રમજીવીને માથાના ભાગે અતિગંભીર ઈજા પહોંચતા સારવાર મળે તે પહેલાં ઘટના સ્થળે કમકમાટીભર્યુ મૃત્યુ થયું હતું.આ અકસ્માતની જાણ રાહદારીઓએ 108 ને કરતાં શ્રમજીવીને તાલાલા હોસ્પિટલે લાવવામાં આવેલ..ફરજ પરના તબીબ ડો.હિરેન કારલીયા એ પી.એમ.કરી મૃતકની બોડી તેમના પરિવારજનોને સોંપી હતી.અકસ્માત ની હેડ કોન્સ્ટેબલ હરેશભાઈ ભેડા તપાસ ચલાવી રહ્યા છે.