પોલીસે ચાર સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી
દ્વારકાના રૂપેણ બંદરમાં સામે જોવા બાબતનો ખાર રાખી ચાર શખ્સોએ મારી નાખવાની ધમકી આપતા પોલીસે ચાર સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. દ્વારકાના રૂપેણ બંદર વિસ્તારમાં રહેતા અસલમભાઈ ફારુકભાઈ ઇસબાણી નામના 22 વર્ષના યુવાન તેમના સસરાના ઘરે જવા નીકળ્યા હતા, ત્યારે માર્ગમાં એક યુવાન સાથે સામે જોવા બાબતે થયેલી બોલાચાલી બાદ આ બાબતનું મનદુ:ખ રાખીને આરોપી એજાજ સલીમ લુચાણી, નિજામ મુસા લુચાણી, અબજલ સલીમ લુચાણી અને ઉંમર ઓસમાણ લુચાણી નામના ચાર શખ્સોએ એકસંપ કરી, તેમને બિભત્સ ગાળો કાઢી, લાકડાના ધોકા વડે બેફામ માર મારી, પતાવી દેવામાં આવી દેવાની ધમકી આપી હોવાની ફરિયાદ દ્વારકા પોલીસ મથકમાં નોંધાઈ છે. જેને અનુલક્ષીને પોલીસે તમામ ચાર આરોપીઓ સામે બીએનએસ અને જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.
ચાર જુગારીઓ ઝડપાયા
ખંભાળિયાના સ્ટેશન રોડ વિસ્તારમાં અજમેર પીર ટેકરી વિસ્તારમાં રહેતા દાઉદ સબીર શેખ નામના 33 વર્ષના શખ્સ દ્વારા પોતાના મોબાઈલ ફોનમાં લુડો ગેમ ડાઉનલોડ કરી, તેની સાથે વિશ્વદિપસિંહ નરેન્દ્રસિંહ જાડેજા, ગોપાલ હરદાસ મશુરા અને એજાજ ઉમર ઘાવડા નામના અન્ય ત્રણ શખ્સો સાથે મળીને જુગાર રમતા પોલીસે ઝડપી લઇ, મોબાઈલ ફોન અને રોકડ રકમ સહિત કુલ રૂપિયા 11,800 નો મુદ્દામાલ કબજે કરી, તમામ ચાર આરોપીઓ સામે જુગારધારાની કલમ હેઠળ કાર્યવાહી કરી હતી.
દારૂની છ બોટલ સાથે શખ્સ ઝડપાયો
ખંભાળિયાથી આશરે 23 કિલોમીટર દૂર મોવાણ ગામથી માડી ગામના પાટીયા પાસેથી પોલીસે મોડી રાત્રીના સમયે રૂ. 3,390 ની કિંમતની વિદેશી દારૂની છ બોટલ સાથે રામદે ઉર્ફે રામલો મૈસુરભાઈ જામ (ઉ.વ. 28, રહે. માળી, તા. કલ્યાણપુર) ને ઝડપી લઈ, પ્રોહીબિશન એક્ટ હેઠળ કાર્યવાહી કરી હતી.