Jai Hind

વાંકાનેરમાં વૃધ્ધને લૂંટી લેનાર ત્રણ સગીરોની ધરપકડ: 68 હજારની મત્તા જપ્ત

હત્યા-લૂંટમાં સામેલ ત્રીપુટીએ ગુનાને અંજામ આપવા ભાવનગરથી બાઈક ચોર્યું’તુ

વાંકાનેર સીટી પોલીસે મોરબીના વૃદ્ધ સાથે થયેલી લૂંટના ગુનાનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી ત્રણ બાળ કિશોરોને હસ્તગત કર્યા છે. પોલીસે લૂંટમાં ગયેલો તમામ મુદ્દામાલ પરત મેળવવાની સાથે બે ચોરાઉ મોટરસાયકલ પણ કબજે કરી છે. તપાસમાં ત્રણેય કિશોરો ગંભીર પ્રકારના ગુનાઓ કરવાની ટેવ ધરાવતા હોવાનું તેમજ મોરબી અને રાજકોટમાં નોંધાયેલ હત્યા અને લૂંટના ગુનામાં સંકળાયેલ હોવાનું સામે આવ્યું છે.
વાંકાનેર શહેરમાં ગત 20 જુલાઈના રોજ બપોરે મોરબીના રવાપર રોડ વિસ્તારમાં રહેતા 79 વર્ષીય હરીલાલ નાનજીભાઈ વિડજા વડોદરાથી પરત આવ્યા ત્યારે વાંકાનેર ઉતર્યા હતા. જે બાદ તેઓ બસ સ્ટેન્ડ જવા માટે જીનપરા જકાતનાકાથી દાણાપીઠ તરફ પગપાળા જઈ રહ્યા હતા ત્યારે મોટરસાયકલ પર આવેલા ત્રણ બુકાનીધારી શખ્સોએ તેમના હાથમાં રહેલો થેલો માંગ્યો હતો. વૃદ્ધે થેલો આપવાની ના પાડતા ત્રણેયે તેમને ઘેરી લઈ ઝપાઝપી કરી જમીન પર પાડી દીધા હતા અને થેલામાં રહેલા રૂ.3000/- રોકડા, ઓળખકાર્ડ તથા અન્ય દસ્તાવેજો લૂંટી ફરાર થઈ ગયા હતા.ઘટનાની ગંભીરતા ધ્યાને લઈ વાંકાનેર સિટી પોલીસની અલગ-અલગ ટીમોએ તપાસ હાથ ધરી ત્રણ કાયદાના સંઘર્ષમાં આવેલા બાળ કિશોરોને હસ્તગત કરવામાં આવ્યા હતા. પોલીસે તેમની પાસેથી લૂંટમાં ગયેલા રૂ.3,000/- રોકડા, એક મોબાઇલ ફોન, બે ચોરાઉ મોટરસાયકલ, ઓળખકાર્ડ અને અન્ય દસ્તાવેજો સહિત કુલ રૂ.68 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
તપાસ દરમિયાન ખુલ્યું હતું કે ત્રણેય કિશોરોએ ભાવનગર જીલ્લાના ગારીયાધર તાલુકામાંથી મોટરસાયકલ ચોરી કરી હતી અને તે વાહનનો ઉપયોગ કરીને શહેરોમાં સિનિયર સિટિઝન તથા વેપારીઓની રેકી કરી ઓછી અવરજવરવાળી જગ્યાએ ધાકધમકી આપી લૂંટ ચલાવતા હતા. પોલીસ તપાસમાં વધુમાં સામે આવ્યું કે હસ્તગત કરાયેલા ત્રણમાંથી એક કિશોર સામે અગાઉ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાયેલ છે, જ્યારે અન્ય બે કિશોરો સામે રાજકોટ શહેરના આજીડેમ પોલીસ સ્ટેશનમાં લૂંટનો ગુનો નોંધાયેલ છે. હાલ વાંકાનેર સીટી પોલીસે અસરકારક તપાસ કરીને લૂંટનો ગુનો ઉકેલી મહત્વની સફળતા મેળવી છે.