પોલીસે રૂ. 1.58 લાખની રોકડ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો
કલ્યાણપુરના ભાટવડીયા ગામે રૂ. 1.58 લાખની ઘરફોડી કરનાર તસ્કરને પોલીસે દબોચી લઈ રૂ. 1.58 લાખની રોકડ સહિતનો મુદામાલ કબ્જે કર્યો છે. લ્યાણપુર તાલુકાના ભાટવડીયા ગામે રહેતા એક આસામીના મકાનના નળિયા ખેસવીને કોઈ તસ્કર રૂપિયા દોઢ લાખથી વધુની રોકડ રકમ ચોરી કરીને લઈ ગયાની ફરિયાદ સ્થાનિક પોલીસ મથકમાં નોંધાવવામાં આવી હતી. આને અનુલક્ષીને દેવભૂમિ દ્વારકા જિલ્લાની સ્થાનિક ગુના શોધક શાખાના ઈન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશી તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં ઉપરોક્ત ચોરી પ્રકરણમાં સંડોવાયેલા એવા આ જ ગામના રહીશ સામત લખુભાઈ સોનગરા નામના 57 વર્ષના એક શખ્સને પોલીસે ચોરીની રકમ રૂ. 1,58,500 ની રોકડ સહિતના મુદ્દામાલ સાથે દબોચી લઈ, આગળની કાર્યવાહી અર્થે તેનો કબજો કલ્યાણપુર પોલીસને સોંપવામાં આવ્યો છે. ઉપરોક્ત આરોપીએ જ્યાં હાથફેરો કર્યો હતો, તે ફરિયાદી પરિવારનો પરિચિત અને તે ઘરમાં રોકડ રકમ હોવા બાબતનો માહિતગાર હતો. આ ડિટેકશન કામગીરીમાં એલસીબીના પી.આઈ. એન.એચ. જોશી સાથે પી.એસ.આઈ. ભાર્ગવ દેવમુરારી, એમ.આર, સવસેટા, કિશોરભાઈ નંદાણીયા, ડાડુભાઈ જોગલ અને ખીમાભાઈ કરમુરની ટીમ જોડાઈ હતી.