ખરાબ રસ્તાનું બહાનું જ્યારે ખાનગી બસો-ટ્રકો આ માર્ગે ચાલે જ છે : મજુરો-લોકોને બસ બંધ થવાથી ભારે પરેશાની
રાજુલા મહેસાણા ડેપો અને બોરસદ ડેપો દ્વારા છેલ્લા 15 દિવસથી કોવાયા-મહેસાણા અને કોવાયા-દાહોદની બંને જઝ બસોને રાજુલા સુધી ટૂંકાવી દેવાતા કોવાયા પટ્ટાના હજારો મુસાફરોમાં ભારે રોષ ફેલાયો છે.
એસટી તંત્ર દ્વારા “વરસાદના કારણે રસ્તો ખરાબ છે” એવું બહાનું આગળ ધરવામાં આવી રહ્યું છે. પરંતુ સ્થાનિકોનો સીધો સવાલ છે કે જો રસ્તો ખરાબ છે તો કઝ પીપાવ પાવર પ્લાન્ટની કર્મચારીઓ માટે દોડતી 10 ખાનગી બસો, 50-50 ટન સિમેન્ટ ભરેલા ટ્રકો, શ્વાન એનર્જીના લાખો ટન લોખંડની અવર-જવર અને ટેલેન્ટીના નવા પ્લાન્ટમાં આવતા હજારો મજૂરોને રસ્તો કેમ નથી નડતો?
કોવાયા, ભાકોદર, વારા, સ્વરૂપ વાંઢ, રામપરા સહિતના વિસ્તારમાં આવેલા ભાકોદર અલ્ટ્રાટેક, ઈઙઈક, પીપાવ પોર્ટ, સિન્ટેક્સ સહિત 8 જેટલા મોટા ઉદ્યોગો માટે આ બંને બસો જીવાદોરી સમાન હતી. અમદાવાદ, મહેસાણા, દાહોદ જવા માટે આ બસોમાં એટલો ટ્રાફિક હતો કે રાજુલાથી તો પેસેન્જરને ટિકિટ પણ મળતી નહોતી. કોવાયાથી જ ગાડી ફૂલ થઈ જતી હતી. ડામર રોડ બની ગયા બાદ પણ મનમાની કરીને બસો બંધ કરી દેવાતા મજૂરો, શ્રમિકો અને કોન્ટ્રાક્ટરોને હવે 300-300 રૂપિયા આપીને રિક્ષા કરીને રાજુલા આવવું પડે છે.
સ્થાનિકોનું કહેવું છે કે બોરસદ અને મહેસાણા ડિવિઝનના અધિકારીઓએ વરસાદના બે ઝાપટા પડતા જ કાનભંભેરણી કરીને બસો ટૂંકાવી દીધી છે. અગાઉ પણ આવું થયું હતું ત્યારે રાજુલાના ડેપો મેનેજરે સર્વે કરીને રિપોર્ટ મોકલતા તરત બસ ચાલુ થઈ ગઈ હતી. આ વખતે પણ જો સર્વે થાય તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. સરકાર એક તરફ નવી વોલ્વો બસો ચાલુ કરવાની વાત કરે છે, અને બીજી તરફ રેવન્યુ આપતા અને હજારો લોકોને ઉપયોગી રૂટને બંધ કરી દેવામાં આવ્યો છે.
અમે તાલુકા પંચાયત પ્રમુખ, ધારાસભ્ય અને સાંસદને માંગ કરીએ છીએ કે તાત્કાલિક દરમિયાનગીરી કરીને કોવાયા-મહેસાણા અને કોવાયા-દાહોદની બંને જઝ બસોને પહેલાની જેમ કોવાયા સુધી શરૂ કરાવવામાં આવે. નહીંતર ગરીબ મજૂરો સાથે થતા આ અન્યાય વિરુદ્ધ ઉગ્ર આંદોલન કરવામાં આવશે.